બ્રિટિશ આર્મીની ખરાબ હાલતઃ યુદ્ધસજ્જ સૈનિકોની ભારે અછત

Wednesday 10th February 2021 04:45 EST
 
 

લંડનઃ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના લીક થયેલા રિપોર્ટમાં બ્રિટિશ આર્મીની આઘાતજનક અને અતિ ખરાબ હાલતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આર્મીની ૩૩ ઈન્ફન્ટ્રી બટાલિયન્સમાંથી માત્ર એક બટાલિયનમાં જ યુદ્ધસજ્જ સૈનિકો છે. ફર્સ્ટ બટાલિયન સ્કોટ ગાર્ડ્સમાં ઓપરેશન માટે તૈયાર હોય તેવા માત્ર ૩૩૯ સૈનિક છે. સૈનિકોની ભરતીની કટોકટી માટે ૧.૩ બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ મેળવનાર પ્રાઈવેટ ફર્મ Capita સામે આંગળી ચીંધાઈ રહી છે. આ ફર્મનું કહેવું છે કે રીક્રુટમેન્ટના લક્ષ્યાંકો છેક ૨૦૧૮થી સતત મુશ્કેલીમાં છે.

મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના ‘સેન્સિટિવ’ માર્કિંગ સાથેના રિપોર્ટમાં જણાવાયું છે કે આર્મીની ૩૩ ઈન્ફન્ટ્રી બટાલિયન્સમાંથી એક સિવાયની બટાલિયનમાં યુદ્ધ માટે ગોઠવવા સજ્જ કહેવાય તેવો અડધો મેનપાવર પણ નથી. એક પ્રશ્ન ઉઠાવાયો છે કે યુકે નાટોના અગ્રણી સભ્ય તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી શકે તેમ છે? સૈનિકોની સંખ્યા ઓછી હોવાં છતાં, સંરક્ષણ ખર્ચ અને લાંબા ગાળાની રણનીતિની સમીક્ષા હેઠળ ઈન્ફન્ટ્રી બટાલિયન્સમાં કાપ મૂકાવાની વિચારણા ચાલે છે.

મિનિસ્ટ્રીના ‘'Infantry Battalion Soldier Strength Summary, January 2021’ દસ્તાવેજમાં દરેક ૩૩ બટાલિયનમાં કેટલા સૈનિકોની જરુર છે તેની યાદી અપાઈ છે. આર્મીની સૌથી પ્રતિષ્ઠિત બટાલિયન્સમાં એક ફર્સ્ટ બટાલિયન સ્કોટ ગાર્ડ્સમાં ઓપરેશન માટે તૈયાર હોય તેવા ૬૦૩ સૈનિકોની જરુર સામે માત્ર ૩૩૯ સૈનિક છે એટલે કે ૨૬૪ સૈનિકની ઘટ છે. ઈન્ફન્ટ્રીમાં કુલ ૧૪,૯૮૪ સૈનિકોની આવશ્યકતા સામે યુદ્ધમાં મોકલી શકાય તેવા ૧૧,૩૦૧ સૈનિક છે. ફર્સ્ટ રોયલ ગુરખા રાઈફલ્સ પાસે ૧૦૩ ટકા ફ્રન્ટલાઈન યુદ્ધસજ્જ સૈનિક છે. આર્મીએ ૨૦૧૨માં ‘કેપિટા’ સાથે સૈનિકોની ભરતીનો ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો છે.

મેનપાવર કટોકટી માટે વર્ષોથી નબળાં પગાર અને હાલત તેમજ ખાનગી કંપનીને ભરતીની જવાબદારી સોંપવાનો નિર્ણય કારણભૂત ગણાવાયો છે. અફઘાનિસ્તાનમાં લશ્કરી દળોની કમાન સંભાળનારા કર્નલ રિચાર્ડ કેમ્પે કહ્યું હતું કે ખતરનાક બની રહેલા વિસ્વમાં બ્રિટનની રક્ષા કરવા માટે લશ્કર ઘણું નાનું છે. આર્મીમાં ઈન્ફન્ટ્રી, આર્ટિલરી, એન્જિનીઅર્સ અને સિગ્નલ્સ સહિતના વિભાગો છે. સંપૂર્ણ આર્મીમાં ૮૨,૦૦૦ ફૂલ ટાઈમ સૈનિક હોવાં જોઈએ તેમ ૨૦૧૫ના સ્ટ્રેટેજિક ડિફેન્સ રીવ્યૂમાં જણા૩વાયું હતું. ગત વર્ષે ઓક્ટોબરમાં સંખ્યા ૮૦,૦૪૦ની હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter