લંડનઃ અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલું યુકેનું સૈન્ય અભિયાન આખરે સમાપ્ત થયું છે. તેના ભાગરૂપે શનિવારે રાત્રે અંતિમ બ્રિટિશ સૈનિકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા છે. બે સપ્તાહમાં લગભગ ૧૫,૦૦૦ લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ૨૦ વર્ષના યુદ્ધ પછી ઉતાવળે અફઘાનિસ્તાન છોડવું પડ્યું છે ત્યારે હજારો અફઘાનોને ખસેડી શકાયા નથી ત્યારે વડા પ્રધાને તેઓ લશ્કરી દળોનું દુઃખ સમજે છે તેવો ખુલ્લો પત્ર સૈનિકોને પાઠવવા સાથે બધી જવાબદારી યુએસ પર ઢોળી દેવાનો પ્રયાસ પણ કર્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તાલિબાનને માનવ અધિકારોનું સન્માન નીકળવામાં સફળ લોકોને વીર કહીને સંબોધિત કર્યા હતા
રવિવાર સવારે ટ્વિટર પર વીડિયોમાં જ્હોન્સને જણાવ્યું હતું કે આપણે આવી રીતે પાછાં આવવું પડશે તેમ વિચાર્યું ન હતું. પરંતુ, આપણે સમજવું પડશે કે આપણે યુએસની સાથે તેના સપોર્ટમાં રક્ષણકાર્ય માટે આવ્યા હતા. યુએસનું લશ્કર મોટા ભાગની લડાઈ લડ્યું હતું. આપણે યુએસની સાથે જ પાછા ફરી રહ્યા છીએ છતાં, તે વિસ્તારમાં આપણું પ્રતિનિધિત્વ રહેશે, આપણે માનવતાવાદી સહાય બમણી કરી ૨૮૬ મિલિયન પાઉન્ડ કરી રહ્યા છીએ.
બ્રિટને શુક્રવારે જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં ઈવેક્યુએશન મિશન પૂરું થશે અને રિસેટલમેન્ટ માટે લાયક પરંતુ, કાબુલ એરપોર્ટ નહિ આવી શકેલા કોઈ પણ અફઘાન નાગરિકને ઉડ્ડયન થકી બહાર લઈ જવાશે નહિ. ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે આખરી ફ્લાઈટ પછી જણાવ્યું હતું કે ‘આપણા લશ્કરી દળો માટે ગૌરવ અનુભવીએ, બહેતર જિંદગી માટે આવી શકેલાને આવકાર અને જેઓ પાછળ રહી ગયા છે તેમના માટે અફસોસ છે.’ આ બે દાયકાના અભિયાનમાં ૪૫૦થી વધુ બ્રિટિશ સૈનિકોએ જાન ગુમાવ્યા છે. યુએસ પ્રમુખ જો બાઈડને અમેરિકી લશ્કરી દળોને અફઘાનિસ્તાન છોડી જવા માટે ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા લગાવી હતી. જોકે, બ્રિટન સહિતના સાથી દેશોએ વહેલા નીકળી જવાનું પસંદ કર્યું હતું.