લંડનઃ યુકેના લશ્કરના ઈતિહાસમાં મહિલાઓ માટે વાસ્તવિક યુદ્ધભૂમિ સહિત તમામ ભૂમિકા ખુલ્લી રહેશે. ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસને આવકારદાયી પગલામાં જાહેરાત કરી હતી કે આર્મીમાં સેવા આપી રહેલી મહિલાઓ સ્પેશિયલ ફોર્સીસ સહિત ઈન્ફન્ટ્રીમાં ટ્રાન્સફર મેળવી શકશે. નવા રિક્રૂટ્સની તાલીમ એપ્રિલ ૨૦૧૯થી શરુ કરાશે. રોયલ મરિન્સમાં મહિલાઓ માટે પસંદગી આ વર્ષના અંત સુધીમાં શરુ થશે.
મહિલા સૈનિકોએ ઘણા વર્ષો સુધી યુદ્ધ સહિત ઉદાહરણીય સેવા આપી છે પરંતુ, વાસ્તવિક ભૂમિયુદ્ધમાં તેઓ સામેલ થઈ શકતી ન હતી, જે પરનો પ્રતિબંધ ૨૦૧૬માં ઉઠાવી લેવાયો હતો. આ પછી પણ કમાન્ડો જેવી ચોક્કસ ભૂમિકા માટે તેમની ગણતરી કરાતી ન હતી. ધ રોયલ આર્મર્ડ કોર્પ્સ સૌ પ્રથમ ગ્રાઉન્ડ ક્લોઝ કોમ્બેટ શાખા હતી, જેણે નવેમ્બર ૨૦૧૬માં મંહિલા સૈનિક અને અધિકારીઓ માટે દ્વાર ખુલ્યા કર્યા હતા. આ પછી, સપ્ટેમ્બર ૨૦૧૭માં RAF રેજિમેન્ટે તેનું અનુસરણ કર્યું હતું. નવેમ્બર ૨૦૧૬થી આર્મીમાં ૩૫ મહિલા છે, જેઓ રોયલ આર્મર્ડ કોર્પ્સમાં સેવા આપે છે અથવા તે માટે ટ્રેનિંગ મેળવી રહી છે. સંખ્યાબંધ મહિલા સૈનિક ઈસ્ટોનિયા અને ઓમાનમાં તેમની નવી ભૂમિકામાં ગોઠવાઈ રહી છે.
ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસને જણાવ્યું હતું કે, ઈતિહાસમાં સૌપ્રથમ વખત આપણા સશસ્ત્ર દળો લિંગ નહિ પરંતુ માત્ર ક્ષમતાના ધોરણે કામ કરશે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મહિલાઓ મોટી સંખ્યામાં વાસ્તવિક યુદ્ધની ભૂમિકા માટે અરજી કરશે તેવી મિલિટરીની ધારણા નથી. આમ છતાં, તમામ પશ્ચાદભૂની વ્યક્તિઓને તક આપવા અને તેમની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરવા આ નિર્ણય લેવાયો છે.


