લંડનઃ નવી આવેલી લેબર સરકારે અબજો પાઉન્ડન નેશનલ વેલ્થ ફંડની રચના કરી છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝે 7.3 બિલિયન પાઉન્ડના ભંડોળ સાથે આ ફંડની રચનાની જાહેરાત કરી હતી જેથી સમગ્ર દેશમાં મોટા માળખાકીય પ્રોજેક્ટો માટે પ્રાઇવેટ સેક્ટરમાંથી મૂડીરોકાણ આકર્ષી શકાય. રીવ્ઝે જણાવ્યું હતું કે, દેશમાં બંદરો, ગીગા ફેક્ટરીઓ, હાઇડ્રોજન અને સ્ટીલ પ્રોજેક્ટોના વિકાસ માટે આ ફંડની રચના કરાઇ છે. આ ફંડના માધ્યમથી સરકાર દ્વારા થનારા 1 પાઉન્ડના રોકાણ સામે 3 પાઉન્ડનું ખાનગી રોકાણ મેળવાશે. આ ફંડ બ્રિટનમાં રોકાણ કરવા ઇચ્છતા ઇન્વેસ્ટરો અને બિઝનેસો માટે એક માધ્યમનું કામ કરશે.
લેબર સરકારનું આ પગલું પાર્ટીના સુધારાના પ્લાનિંગ, હાઉસ બિલ્ડિંગના લક્ષ્યાંકો અને સરકારી માલિકીની પાવર કંપની ગ્રેટ બ્રિટિશ એનર્જીની રચના દ્વારા આર્થિક વિકાસની યોજનાનો હિસ્સો છે.
ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોમાં નેશનલ વેલ્થ ફંડ કાર્યરત છે જેના દ્વારા વિકાસ સાધી શકાય તેવા વિવિધ સેક્ટરમાં મૂડીરોકાણ કરાય છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્ની, બાર્કલેના સીઇઓ સી એસ વેંકટક્રિશ્નન, અવિવા ગ્રુપના સીઇઓ એમેન્ડા બ્લાન્ક માર્ચ મહિનાથી લેબર પાર્ટીને નેશનલ વેલ્થ ફંડની રચના કરવા સલાહ આપી રહ્યાં હતાં.

