બ્રિટિશ ઈમિગ્રન્ટ વિઝા માટે ૭૦ પોઈન્ટ આવશ્યક

કુશળ માઈગ્રન્ટ્સ માટે સંખ્યાકાપ વિના લઘુતમ વેતનની મર્યાદા વાર્ષિક ૨૫,૬૦૦ પાઉન્ડઃ ચોક્કસ કૌશલ્ય, લાયકાત, વેતન અથવા પ્રોફેશન્સ માટે પોઈન્ટ્સ અપાશેઃ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી આ સિસ્ટમનો અમલ

રુપાંજના દત્તા Friday 21st February 2020 02:15 EST
 
 

લંડનઃ યુકેની નવી પોઈન્ટ્સ આધારિત વિઝા સિસ્ટમમાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના અને બિન-ઈયુ નાગરિકો સાથે સમાન વ્યવહાર રખાશે. કુશળ માઈગ્રન્ટ્સ માટે સંખ્યાકાપ ન હોવા સાથે લઘુતમ વેતનની મર્યાદા વાર્ષિક ૨૫,૬૦૦ પાઉન્ડ રાખવા સાથેની સિસ્ટમ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બુધવાર ૧૯ ફેબ્રુઆરી, બુધવારે જાહેર કરી છે. આ સિસ્ટમમાં વિઝા મેળવવા ઓછામાં ઓછાં ૭૦ પોઈન્ટ હાંસલ કરવા જરૂરી ગણાવાયા છે. વિશ્વભરમાંથી શ્રેષ્ઠ અને હોંશિયાર ઈમિગ્રન્ટ્સને આવકારવા માટેની આ સિસ્ટમનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી કરાશે જ્યારે ટ્રાન્ઝીશન પીરિયડ પૂર્ણ થવા સાથે ઈયુ યુકેમાંથી બહાર આવશે અને મુક્ત અવરજવરની નીતિનો અંત આવશે. હોમ ઓફિસે જણાવ્યું છે કે, ‘ચોક્કસ કૌશલ્ય, લાયકાત, વેતન અથવા પ્રોફેશન્સ માટે પોઈન્ટ્સ અપાશે અને જે અરજદારો પૂરતા પોઈન્ટ્સ મેળવશે તેમ વિઝા આપવામાં આવશે.’ બ્રિટન ૧૯૭૩માં કોમન માર્કેટમાં સામેલ થયું તે પછી સરહદના નિયમોમાં આ સૌથી મોટું પરિવર્તન છે. વિજ્ઞાનીઓ જેવા ઉચ્ચ કૌશલ્યપૂર્ણ વર્ક્સ નોકરીની ઓફર વિના પણ યુકે આવી શકશે પરંતુ, ઓછી કુશળતા સાથેનું ઈમિગ્રેશન લગભગ અશક્ય બની જશે.

સમગ્ર દેશ માટે ઐતિહાસિક પળઃ પ્રીતિ પટેલ

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘સમગ્ર દેશ માટે આ ઐતિહાસિક પળ છે. નવી યુકે પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવા સાથે આપણે મુક્ત અવરજવરને બંધ કરીશુ, આપણી સરહદોનું નિયંત્રણ સ્વહસ્તક લઈશું અને લોકોની પ્રાથમિકતાનો અમલ કરીશુ. આનાથી સમગ્રતયા માઈગ્રેશન સંખ્યા નીચે આવશે. આપણે સમગ્ર વિશ્વમાંથી સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ લોકોને મેળવીશું, અર્થતંત્ર અને કોમ્યુનિટીઝને ઉત્તેજન આપવા સાથે આ દેશની પૂર્ણ ક્ષમતાને ગતિશીલ બનાવીશું.’ હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે,‘આપણે લોકો સમગ્ર યુકેને લાભ થાય તેમ કેવી કુશળતા ઓફર કરે છે તેના આધારે પસંદગી કરી શકીશું. તેઓ ઈંગ્લિશ ભાષા બોલતા હોવાં જોઈએ જેથી, આપણી કોમ્યુનિટીઓ સાથે એકીકૃત બની શકે. તેમની પાસે નોકરીની ઓફર હોવી જોઈએ જેથી દેશને સાચું યોગદાન આપી શકે. તેમને યોગ્ય વેતન મળવું જોઈએ જે સ્થાનિક વર્કર્સ કરતાં ઓછું ન હોય અને પોતાનો નિભાવ કરી શકે.’
નવા ઈમિગ્રેશન નિયમોના પરિણામે મજબૂત સુરક્ષા સાથે માઈગ્રેશનનું સમગ્રતયા પ્રમાણ ઘટશે તેમજ ઈયુ અને બિન-ઈયુ નાગરિકો સાથે સમાન વ્યવહાર રખાશે. નિયમો અનુસાર વિજ્ઞાનીઓ, ઈજનેરો અને એકેડેમિક્સ સહિત સોથી વધુ કૌશલ્ય અને ઉચ્ચ પ્રતિભા ધરાવનારાને ઉચ્ચ પ્રથમિકતા અપાશે અને ઈયુ નાગરિકો માટે પણ ખુલ્લી રખાનારી ગ્લોબલ ટેલન્ટ સ્કીમ હેઠળ જોબની ઓફર વિના પણ ઉચ્ચ કુશળતા સાથેના વિજ્ઞાનીઓ અને સંશોધકોને યુકેમાં આવવા છૂટ મળશે. બ્રિટન ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા સાથે ભારત સહિત વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ લોકોને જ બ્રિટન આકર્ષિત કરવા માંગે છે.

કૌશલ્ય ધરાવતા વર્કર્સ

કુશળતા ધરાવતા કામદારોએ પણ યુકેમાં કામ કરવા માટે ચોક્કસ કુશળતાઓ, અંગ્રેજી બોલવાની ક્ષમતા સહિત સુસંગત માપદંડોને પરિપૂર્ણ કરવાના રહેશે. તમામ માઈગ્રેશન અરજદારો પાસે નોકરીની ઓફર હોવી જરુરી છે તેમજ માઈગ્રેશન એડવાઈઝરી કમિટીની ભલામણોને સુસંગત લઘુતમ વેતનનું ધોરણ વાર્ષિક ૨૫,૬૦૦ પાઉન્ડ નિર્ધારિત કરાયું છે. નવી સિસ્ટમ કુશળ કામદારો માટે કુશળતાના ધોરણો પણ વિસ્તારશે. જે લોકો યુકેમાં રહેવા અને કામ કરવા ઈચ્છે છે તેમણે હવે વર્તમાન સિસ્ટમ હેઠળના ડીગ્રી લેવલનાં બદલે A-લેવલ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવવવી આવશ્યક ગણાશે. આના પરિણામે, યુકે બિઝનેસીસને વધુ લચકતા સાથે સ્કીલ્ડ વર્કર્સ મોટા પ્રમાણમાં મળી રહેશે.
ઓછી કુશળતા સાથેના કામદારો માટે કોઈ ચોક્કસ રુટ ન હોવાથી વર્તમાન ઈયુ વર્કફોર્સના ૭૦ ટકા તો સ્કીલ્ડ વર્કર્સના માપદંડ પૂર્ણ કરી શકે તેમ નથી જેનાથી ભવિષ્યમાં ઈમિગ્રેશનનું પ્રમાણ નીચે આવશે. આની સાથે સસ્તા યુરોપિયન શ્રમિકો પર બ્રિટનના આધારનો અંત આવશે.

સ્ટુડન્ટ વિઝા માટે પણ પોઈન્ટ્સ

સ્ટુડન્ટ વિઝા રુટ પણ પોઈન્ટ્સ આધારિત રહેશે અને ઈયુ નાગરિકો માટે પણ ખુલ્લો હશે જેનાથી, વિશ્વભરની વિદ્યાર્થી પ્રતિભાઓ યુકેની વિશ્વસ્તરની યુનિવર્સિટીઓનો લાભ મેળવી શકશે. યુકેમાં અભ્યાસ કરવા ઈચ્છનારાએ માન્ય શૈક્ષણિક સંસ્થા પાસેથી ઓફર હોવાનું દર્શાવવું પડશે તેમજ તેઓ નાણાકીય રીતે પોતાનો નિભાવ કરી શકે તેવા સ્વનિર્ભર છે અને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છે તે પણ તેમણે દર્શાવવાનું રહેશે.
આ ઉપરાંત, એગ્રીકલ્ચર સેક્ટરની ચોક્કસ હંગામી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં સીઝનલ વર્કર્સ પાઈલટ સ્કીમને ૨૦૨૦ની કૃષિ હાર્વેસ્ટ ગાળામાં હાલના ૨૫૦૦ સ્થળથી વધારી ૧૦,૦૦૦ સ્થળ સુધી કરવામાં આવશે. ઈયુ નાગરિકો તેમજ વિઝાની જરૂર ન હોય તેવા અન્ય નાગરિકો (ભારતનો સમાવેશ થતો નથી) છ મહિના માટે યુકેની મુલાકાત લઈ રહ્યાં હોય તેમને યુકેમાં પ્રવેશવા માટે વિઝાની આવશ્યકતા રહેશે નહિ. પરંતુ, યુકેનો પ્રવાસ કરવા માટેના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ્સ તબક્કાવાર બંધ કરવાની યોજના હોમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવશે. જે ઈયુ નાગરિકો ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી યુકેમાં રહેતા હશે તેમને ઈયુ સેટલમેન્ટ સ્કીમ હેઠળ યુકેમાં વસવાટ માટે જૂન ૨૦૨૧ સુધી અરજી કરવાની છૂટ અપાઈ છે.

બિઝનેસીસ દ્વારા અપાયેલો આવકાર

ઈમ્પિરીયલ કોલેજ લંડનના પ્રેસિડેન્ટ પ્રોફેસર એલિસ ગાસ્ટે જણાવ્યું હતું કે,‘બ્રિટિશ સાયન્સ ગ્લોબલ છે. નવા પોસ્ટ-સ્ટડી વર્ક અને ગ્લોબલ ટેલન્ટ વિઝા આપણને વિશ્વમાં ગમે ત્યાંથી આવતા હોંશિયાર વિદ્યાર્થીઓ અને સંશોધકોને આકર્ષવામાં મદદ કરશે. કોરોનાવાઈરસની રસી વિકસાવવાથી માંડી સ્વચ્છ ઊર્જા સુધીની દોડ બ્રિટિશ સાયન્સના આંતરરાષ્ટ્રીય સહકાર ઈનોવેશન અને ઉત્કૃષ્ટતાને ગતિ આપશે.’
પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમના પ્રસ્તાવો પર ટીપ્પણી કરતા લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ બર્જે જણાવ્યું હતું કે,‘ સરકારે સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ માટે લઘુતમ વેતનની મર્યાદા અગાઉની ૩૦,૦૦૦ પાઉન્ડની વિચારણાથી વિપરીત ૨૫,૦૦૦ પાઉન્ડ જેટલું રાખ્યું છે તેને બિઝનેસીસ આવકારશે. સ્કીલ્ડ વર્કર કોને ગણવા તેની વ્યાખ્યા હળવી કરવા તેમજ કુશળ કામદારોની સંખ્યાકીય મર્યાદા પણ રદ કરવાથી રાહત થઈ છે.
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના યુકે-ઇન્ડિયા બિઝનેસ ફોરમના ચેરમેન જીમ બ્લીગે કહ્યું હતું કે ‘અમે હોમ ઓફિસની નવી સિસ્ટમને આવકારીએ છીએ. નવી સિસ્ટમમાં કુશળતા, પગાર અને અંગ્રેજી ભાષાના આધારે જ બ્રિટનમાં પ્રવેશ આપવાની શરત મૂકાઈ છે તેનાથી પ્રતિભાસંપન્ન લોકો જ બ્રિટન આવશે. વેપાર માટે જરૂરી છે કે રોજગાર દાતાઓ માટે સિસ્ટમ જાળવે, ખાસ તો યુકેના ગ્રોથ અને રૂપાંતરણ માટે ટુંકા ગાળા માટે ઉચ્ચ પ્રતિભાશાળી લોકોને લાવનાર લોકો માટે આ એક શ્રષ્ઠ તક છે. ઉપરાંત, આખા વિશ્વમાંથી યોગ્ય અને ખાસ કૌશલ્ય ધરાવતા લોકો માટે પગાર એ કોઇ અવરોધ ન બને તે ખૂબ જ જરૂરી છે.’
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, યુકે.ના ચેરપર્સન બેરોનેસ ઉષા પરાશરે કહ્યું હતું કે,‘લાંબા સમયની અમારી જે માગ હતી તે આના દ્વારા પુરી કરાશે’

લાખો નિષ્ક્રિય બ્રિટિશરો માઈગ્રન્ટ્સનું સ્થાન લેશે

પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન બાર સ્ટાફ, કેર વર્કર્સ અને ફળ-શાકભાજી વીણનારા-ખેતમજૂરો સહિતના સેક્ટર્સમાં અકુશળ કામદારોની અછત સર્જર્શે અને તેની ખરાબ અસર હાઈ સ્ટ્રીટ પર પડવા સાથે કન્ઝ્યુમર્સને ફૂડ પ્રાઈસ વધવાનો સામનો કરવો પડશે તેવી દલીલો થઈ રહી છે. આ સંદર્ભે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આર્થિક રીતે નિષ્ક્રિય લાખો બ્રિટિશરો આવા માઈગ્રન્ટ્સનું સ્થાન લઈ શકશે. કેટલાક લોકો ચોક્કસ કામ કરવા માગતા ન હોવાની દલીલ સામે હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સરકાર સાથે મળી બિઝનેસીસે લોકોમાં રોકાણ કરવાનું ચાલું કરવું જોઈએ. બિઝનેસીસે આવા લોકોને તાલીમ આપવી જોઈએ.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિકસના તાજા અંદાજો અનુસાર ડિસેમ્બર ૨૦૧૯ સુધીના ત્રણ મહિનામાં બ્રિટનમાં ૧૬થી ૬૪ વયજૂથના ૮.૫ મિલિયન લોકો આર્થિક રીતે નિષ્ક્રિય હતા. આ લોકોમાં વિદ્યાર્થીઓ (૨.૩ મિલિયન), લાંબા સમયથી બીમાર (૨.૧ મિલિયન), ઘર કે પરિવારની સંભાળ (૧.૯ મિલિયન), નિવૃત્ત (૧.૧ મિલિયન) અને હંગામી બીમાર લોકો (૧૬૦,૦૦૦)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અંદાજે ૩૩,૦૦૦ વર્કર કામ કરવા માગે છે પરંતુ, કામ શોધવાનું છોડી દીધું છે. બાકીના ૯૪૭,૦૦૦ લોકોને અન્ય કારણોસર કામ કરતા ન હોવા તરીકે વર્ગીકૃત કરાયા છે.

ઈમિગ્રેશન પોઈન્ટ્સ સિસ્ટમ 

બ્રિટનમાં કામ કરવા માટે વિદેશી નાગરિકોને

૭૦ પોઈન્ટ મેળવવા આવશ્યક

માપદંડ (* જરૂરી )                     પોઈન્ટ

અંગ્રેજી ભાષા બોલવી*                         ૧૦

માન્ય સ્પોન્સર સાથે જોબ ઓફર*           ૨૦

યોગ્ય કુશળતા સાથેની જોબ*                ૨૦

નોકરીનું વેતન ૨૦૪૮૦૨૩૦૩૯)         ૦૦

નોકરીનું વેતન ૨૩૦૪૦૨૫૫૯૯)        ૧૦

નોકરીનું વેતન £૨૫,૬૦૦થી વધુ               ૨૦

શોર્ટેજ ઓક્યુપેશન યાદીમાં નોકરી           ૨૦

અરજદારની Ph.D ડીગ્રી                      ૧૦

સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ અને              ૨૦

એન્જિનીઅરીંગમાં Ph.D ડીગ્રી

 

                                             ઈયુ નાગરિકોને થનારી અસર 

• નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી બ્રિટનમાં રહેતા કોઈ પણ ઈયુ નાગરિકને વર્તમાન નિયમો હેઠળ અહીં રહેવા અને કામ કરવાનો અધિકાર રહેશે. નવા સુધારા ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં આવશે.

• ઈયુ નાગરિકો વધુમાં વધુ છ મહિના સુધી વિઝા વિના બ્રિટનમાં રહી શકશે;

• યુરોપિયન સહિત તમામ નવા માઈગ્રન્ટ્સને આવક સંબંધિત દાવા કરવાનો લાભ નહિ મળે;

• ઈયુ પ્રવાસીઓ બંદરો અને એરપોર્ટ્સ પર તેમના ‘UK and EU’ ઈ-ગેટ્સનો ઉપયોગ કરી શકશે પરંતુ, તેની સમીક્ષા કરાતી રહેશે;

• અહી કામ કરવા આવતા ઈયુ સહિતના તમામ માઈગ્રન્ટ્સે નો હેલ્થચાર્જ (હાલ વાર્ષિક ૪૦૦ પાઉન્ડ) ચુકવવાનો રહેશે;

• ક્રિમિનલ રેકોર્ડ્સ સાથેના યુરોપિયન્સ પ્રવેશમાંથી બાકાત;

• ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે ‘અસુરક્ષિત’ ઈયુ ઓળખપત્રોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે;

• બિન-ઈયુ વર્કર્સ બનાવટી અથવા ચોરેલા ID કાર્ડ્સનો ઉપયોગ ન કરી શકે તે માટે બોર્ડર કન્ટ્રોલ દ્વારા ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોમાંથી ઓળખપત્રોનો સ્વીકાર નહિ કરાય;

• પોલીશ પ્લમ્બર્સ કે રોમાનિયન બિલ્ડર્સ જેવા સ્વરોજગારી માઈગ્રન્ટ્સ પણ નોકરીની ઓફર વિના યુકે આવી શકશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter