લંડનઃ બ્રેક્ઝિટ પછીના બ્રિટિશ વેપાર માટે એક ઐતિહાસિક અધ્યાય અંતર્ગત ભારત અને યુકે વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતો મુક્ત વેપાર કરાર 15 જુલાઈ 2026ના રોજ સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) તરીકે ઓળખાતો આ વ્યાપક કરાર યુરોપિયન યુનિયનને અલવિદા કહ્યા પછી બ્રિટનનો સૌથી મોટો દ્વિપક્ષીય આર્થિક કરાર છે. આ ઐતિહાસિક સમજૂતીથી બ્રિટિશ અર્થતંત્રમાં વાર્ષિક 4.8 બિલિયન પાઉન્ડનું રોકાણ આવવા અને લાંબા ગાળે બંને દેશો વચ્ચેના કુલ દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડનો જંગી વધારો થવાની સંભાવના છે.
આ કરાર બ્રિટિશ ઉદ્યોગો માટે વૈશ્વિક સ્તરે સૌથી જટિલ ગણાતા ભારતીય બજારના દરવાજા ખોલે છે. ભારતે તેની 90 ટકા ટેરિફ લાઈનો હળવી કરવા સંમતિ આપી છે, જેનાથી અત્યાર સુધી ઊંચા કરવેરાના કારણે ભારતના વિશાળ બજારમાં સ્પર્ધા કરી શકતા નહોતા તેવા બ્રિટનના એવા પ્રતિષ્ઠિત ઉદ્યોગોને તાત્કાલિક રાહત મળશે.
આ ડીલથી સૌથી મોટો ફાયદો સ્કોટિશ વ્હિસ્કી ઉદ્યોગને થશે. અગાઉ વ્હિસ્કી પર 150 ટકા જેટલી આકરી ઈમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટીને તાત્કાલિક 75 ટકા થઈ જશે અને આગામી સમયમાં ક્રમશઃ ઘટીને 40 ટકા થશે. એ જ રીતે, બ્રિટિશ ઓટોમોટિવ સેક્ટરને પણ મોટો ફાયદો થશે. અગ્રણી કાર ઉત્પાદકો હવે નવી ટેરિફ-રેટ ક્વોટા સિસ્ટમનો લાભ લઈ શકશે, જેનાથી આગામી એક દાયકામાં આયાત વેરો 100 ટકાથી ઘટીને માત્ર 10 ટકા થઈ જશે. આ કરાર એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે તેનાથી બ્રિટિશ ઓટોમોબાઈલ, પ્રીમિયમ કોસ્મેટિક્સ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો માટે ભારતના દ્વાર હવે સંપૂર્ણપણે ખૂલી ગયા છે.
જો કે, આ કરારનો વ્યાપ માત્ર મોટા ઉત્પાદકો પૂરતો મર્યાદિત નથી. આ કરારમાં પ્રથમ વખત લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે વિશેષ જોગવાઇ કરાઇ છે. નાના વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ આપવા માટે સરહદી મંજૂરીઓનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. બંને દેશોના કસ્ટમ્સ સત્તાધિકારીઓ હવે ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો અને ડિજિટલ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સામાન્ય શિપમેન્ટને માત્ર 48 કલાકમાં ક્લિયર કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી વેપારમાં થતો સમયનો બગાડ અટકાવી શકાય.
બ્રિટિશ અર્થતંત્રનો મુખ્ય હિસ્સો ધરાવતા સર્વિસ સેક્ટરને પણ આનાથી મોટું પ્રોત્સાહન મળશે. આ કરાર ભારતીય બજારમાં યુકેની નાણાકીય, કાયદાકીય, પર્યાવરણ અને બાંધકામ સેવાઓને કાયદાકીય રક્ષણ અને સમાન તકોની ખાતરી આપે છે. તેમજ બંને દેશો વચ્ચે કુશળ વ્યાવસાયિકોની અવરજવર સરળ બનાવવા માટે ડબલ કન્ટ્રિબ્યુશન કન્વેન્શન લાગુ કરાયું છે, જેથી બ્રિટિશ આઇટી નિષ્ણાતો અને એન્જિનિયરોએ બંને દેશોમાં બેવડો સોશિયલ સિક્યુરિટી ટેક્સ ચૂકવવો નહીં પડે.
સ્થાનિક સ્તરે બ્રિટિશ ગ્રાહકોને પણ મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. યુકે સરકારે ભારતથી આવતા કાપડ, ફૂટવેર અને અન્ય વપરાશી ચીજવસ્તુઓ પરની 99 ટકા આયાત ડ્યુટી નાબૂદ કરી દીધી છે. વધુમાં ફાર્માસ્યુટિકલ અને ટેકનોલોજી ક્ષેત્ર માટે જરૂરી કાચો માલ અને અદ્યતન રાસાયણિક ઘટકો ભારતીય બજારમાંથી સસ્તા દરે ઉપલબ્ધ થતાં બ્રિટિશ સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે.
ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન શું છે?
DCC એ સામાજિક સુરક્ષા કરાર છે જે CETA ની સાથે જ અમલમાં આવી રહ્યો છે. આ અંતર્ગત, જે ભારતીય કર્મચારીઓને અસ્થાયી અસાઇનમેન્ટ પર યુકે મોકલવામાં આવે છે, તેમણે અને તેમની કંપનીઓએ બંને દેશોમાં એકસાથે સોશિયલ સિક્યોરિટી ફંડમાં ચૂકવણી કરવી પડશે નહીં. આ મુક્તિની અવધિ અગાઉના ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે. આનાથી 75,000 થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900 થી વધુ ભારતીય કંપનીઓને સીધો આર્થિક ફાયદો થશે અને બિઝનેસ કોસ્ટ ઘટશે.


