લંડનઃ બ્રિટન વર્ષ 1829 બાદ તેની પોલીસ સિસ્ટમમાં સૌથી મોટા બદલાવની તૈયારી કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ભાંગી પડેલી પોલીસ વ્યવસ્થામાં છેલ્લા 200 વર્ષના સૌથી મોટા સુધારાની બ્લૂ પ્રિન્ટ હોમ સેક્રેટરી શબાના માહમૂદે જાહેર કરી છે. લોકલ ટુ નેશનલનો નારો આપતાં માહમૂદે અમેરિકાની એફબીઆઇની તર્જ પર નેશનલ પોલીસ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. બ્રિટિશ એફબીઆઇ આતંકવાદ, સાયબર ક્રાઇમ, ફ્રોડ, ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝ અને ઓર્ગેનાઇઝ્ડ ગેંગો સામે કામ કરશે. જેના પગલે સ્થાનિક પોલીસની કામગીરીમાં પણ ધરમૂળથી બદલાવ થશે. સ્થાનિક પોલીસ સ્થાનિક અપરાધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને તેના કામનું ભારણ પણ ઘટશે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કાર્યરત 43 વિભાગ ધરાવતું આજનું પોલીસ મોડેલ જરીપુરાણું થઇ ચૂક્યું છે અને તે આધુનિક અપરાધોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતું નથી. ફ્રોડ, ઓનલાઇન એબ્યુઝ અને આંતરરાષ્ટ્રીય ગેંગોના અપરાધો સ્થાનિક વિસ્તારો કરતાં ઘણો મોટો વ્યાપ ધરાવતા હોય છે. આજનું પોલીસ મોડેલ એક અલગ સૈકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું હતું. સ્થાનિક પોલીસ વિશેષ કુશળતા ધરાવતી નથી તેથી જટિલ અપરાધોની યોગ્ય તપાસ થઇ શક્તી નથી. તેના માટે નેશનલ રિસોર્સિઝની આવશ્યકતા છે.
નેશનલ પોલીસ સર્વિસ અથવા તો બ્રિટિશ એફબીઆઇના વડા નેશનલ ક્રાઇમ કમિશ્નર તરીકે ઓળખાશે અને દેશના સર્વોચ્ચ પોલીસ અધિકારી ગણાશે. હાલમાં લંડન મેટ્રોપોલિટન પોલીસના વડા સર્વોચ્ચ અધિકારી ગણાય છે.
બ્રિટિશ એફબીઆઇ કયા પ્રકારના અપરાધો પર કામ કરશે
- કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ
- મોટા ફ્રોડ અને આર્થિક અપરાધો
- ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝ
- ઓર્ગેનાઇઝ્ડ અને ક્રોસ બોર્ડર ક્રિમિનલ ગેંગ્સ
- પોલીસ હેલિકોપ્ટર્સ અને નેશનલ રોડ પોલિસિંગ
- પ્રાદેશિક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ્સ
સ્થાનિક પોલીસ કયા અપરાધો પર ધ્યાન કેન્દ્રિત કરશે
- શોપ લિફ્ટિંગ
- ફોન ચોરી
- અસામાજિક તત્વો
લોકલ ટુ નેશનલ પોલીસ સુધારા
- સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એઆઇ ટૂલ્સની મદદથી ક્રિમિનલ્સનું ફેસિયલ રેકોગ્નિશન શરૂ કરાશે, 40 વધુ લાઇવ ફેસિયલ રેકોગ્નિશન વાન ઉપલબ્ધ કરાવાશે
- પોલીસને મદદ કરવા નવું નેશનલ સેન્ટર ફોર એઆઇ સ્થપાશે, પોલીસને મદદ કરવા નવા એઆઇ ટૂલ્સ વિકસાવવામાં આવશે
- પ્રસ્તાવિત નેશનલ પોલીસ સર્વિસ અંતર્ગત નેશનલ ક્રાઇમ એજન્સી, કાઉન્ટર ટેરરિઝમ પોલીસ, નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ, નેશનલ પોલીસ એર સર્વિસ અને કોલેજ ઓફ પોલિસિંગ કામ કરશે
- ચીફ કોન્સ્ટેબલને બરતરફ કરવાની સત્તા ફરીથી હોમ સેક્રેટરીને અપાશે, ડોક્ટરોની જેમ પોલીસ અધિકારીઓએ પણ પ્રેકટિસ માટે લાયસન્સ લેવું પડશે
- ઇંગ્લેન્ડ અને વેલ્સની દરેક કાઉન્સિલના વોર્ડમાં નેબરહૂડ ઓફિસર નિયુક્ત કરાશે, પોલીસ વિભાગોની સંખ્યા 43થી ઘટાડીને 12 કરાશે


