લંડનઃ સમગ્ર યુકેમાં કોરોના વાઈરસનો ચેપ વધી રહ્યો છે ત્યારે ઈટાલી જેવા ભારે અસરગ્રસ્ત દેશોમાંથી બ્રિટિશ નાગરિકો પરત આવી રહ્યા છે. બ્રિટિશ એરપોર્ટ્સ પર ઉતરતા આ નાગરિકોની ફરિયાદ છે કે તેમના કોઈ પરીક્ષણો કરાતા નથી કે સેલ્ફ- આઈસોલેશન માટે સલાહ પણ અપાતી નથી. બ્રિટિશ એરલાઈન્સોની ફ્લાઈટ્સ રદ કરાતા હજારો બ્રિટિશર ઈટાલીમાં રઝળી પડ્યા છે. સમગ્ર વિશ્વમાં જીવલેણ કોવિડ-૧૯ વાઈરસના કારણે ૧૨૮,૩૩૪ લોકોને ચેપની અસર થઈ છે અને મૃત્યુઆંક વધીને ૪,૭૨૫ થયો છે ત્યારે બ્રિટનમાં કોરોના વાઈરસના ૬૦૦ જેટલા કેસ થયા છે અને ૧૦ દર્દીના મોત નીપજ્યા છે.
બ્રિટિશ એરપોર્ટ્સ પર અરાજકતા અને ગૂંચવાડાની સ્થિતિ બ્રિટિશ એરવેઝ, રાયનએર અને જેટ2 એરલાઈન્સોએ કોરોના વાઈરસ રોગચાળાથી તાળાબંધી કરાયેલા ઈટાલીથી આવતી તેમની તમામ ફ્લાઈટ્સ એપ્રિલ સુધી રદ કરી દીધી છે. મોટા ભાગની ફ્લાઈટસ કેન્સલ થવાથી ૨૦,૦૦૦ જેટલા બ્રિટિશ પ્રવાસીઓ ઈટાલીના શહેરો અને સ્કી રિસોર્ટ્સ પર રઝળી પડ્યા છે. ઈટાલીમાં ૧૨,૫૦૦થી વધુ ચેપગ્રસ્ત દર્દી છે તેમજ ૮૫૦થી વધુના મોત થવાથી સમગ્ર દેશમાં પ્રવાસ નિયંત્રણો સાથે તાળાબંધી જાહેર જાહેર કરી દેવાઈ છે. આ પરિસ્થિતિમાં બ્રિટિશ પ્રવાસીઓ રોડ અને રેલવે મારફત સ્વદેશ પરત થવા પ્રયાસ કરી રહ્યા છે.
જોકે, ઈઝી જેટ અને વુએલિંગની હજુ ઈટાલીની કેટલીક ફ્લાઈટ્સ કાર્યરત છે, જેની મારફત બ્રિટિશરો યુકે પરત આવી રહ્યા છે. આ પ્રવાસીઓનું કહેવું છે કે તેમને ૧૪ દિવસના સેલ્ફ-આઈસોલેશન વિશે કોઈ જ જાણકારી નથી. ઈઝી જેટ અને વુએલિંગની ફ્લાઈટ્સ હીથ્રો, સ્ટેનસ્ટેડ, ગેટવિક, માન્ચેસ્ટર અને એડિનબરા એરપોર્ટ્સ પર ઉતરી રહી છે. એરપોર્ટ્સ ટર્મિનલ પર હેન્ડ સેનિટાઈઝર પમ્પ્સ પણ ખાલી છે. સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર મંગળવારે આશરે ૧૭ ફ્લાઈટ્સ ઈટાલીથી આવી હતી. ઈટાલીના ફ્લોરેન્સથી ગેટવિક પર ઉતરેલા પ્રવાસીનું કહેવું હતું કે તેને સેલ્ફ- આઈસોલેશનની કોઈ માહિતી અપાઈ નથી કે ચેપ વિશે પરીક્ષણ કરાયા નથી. આવી જ ફરિયાદ નેપલ્સથી આવેલી મહિલા પ્રવાસીની હતી કે નેપલ્સમાં તેનું ચેકિંગ કરાયું હતું, લોકોને અન્યોથી એક મીટર દૂર ઊભાં રહેવાં જણાવાયું હતું પરંતુ, અહીં કોઈ જ ચેકિંગ થયું નહિ. ઘરમાં ૧૪ દિવસ અલગ રહેવા વાંચ્યું છે પરંતુ, એરપોર્ટ પર કોઈ સલાહ અપાઈ નથી.