બ્રિટિશ એરવેઝ ફ્લાઈટ કેન્સલ થયાની માફી માગી વળતર આપશે

Wednesday 18th May 2022 02:40 EDT
 
 

લંડનઃ બ્રિટિશ એરવેઝ (BA) દ્વારા ફ્લાઈટ કેન્સલ થવાના સંદર્ભે પ્રવાસીઓને વળતર આપવાનું સ્વીકાર્યું છે. ટુંકી મુદતે ફ્લાઈટ કેન્સલ થવાનું ચાલુ રહ્યું છે ત્યારે અત્યાર સુધી વળતર આપવાનું નકારી રહેલીબ્રિટિશ એરવેઝે પ્રવાસીઓની માફી માગી છે અને ફ્લાઈટ રદ થવાથી અસરગ્રસ્ત પ્રવાસીઓનો સંપર્ક કરી તેમને વળતરની ઓફર કરાશે તેમ પણ જણાવ્યું છે. બ્રિટિશ એરવેઝ અથવા અન્ય કોઈ એરલાઈન્સ દ્વારા 14 દિવસથી ઓછા સમયની નોટિસથી રદ કરાયેલી ફ્લાઈટ્સના પેસેન્જર્સને વળતરના ઓનલાઈન ક્લેઈમ્સ કરવાની સલાહ અપાઈ છે.

બ્રિટિશ એરવેઝ લંડનના હીથ્રો એરપોર્ટ પરથી સ્ટાફની અછતના કારણે હાલ દૈનિક 100થી વધુ ડોમેસ્ટિક અને યુરોપિયન ફ્લાઈટ્સ રદ કરી રહી છે. સામાન્ય રીતે અસરગ્રસ્ત ફ્લાઈટ્સ પર બૂક કરાયેલા પ્રવાસીઓને કેટલાક સપ્તાહોની ચેતવણી અપાય છે પરંતુ, કેટલાક કેન્સલેશન ટુંકી મુદતે કરવામાં આવે છે.

યુરોપિયન એર પેસેન્જર્સ રાઈટ્સ રુલ્સ EC261 હેઠળ જો બે સપ્તાહથી ઓછાં સપ્તાહ અગાઉ ફ્લાઈટ રદ કરાય તો પ્રવાસીઓ સામાન્યપણે ટુંકા અંતરના પ્રવાસો અથવા તો પ્રવાસ 1500 કિલોમીટરની ઓછો કે વધારે હોય તેના આધારે 220 અથવા 350 પાઉન્ડના વળતરનાં હકદાર બને છે.

જોકે, વળતર માગનારા પ્રવાસીઓના ક્લેઈમ્સ બ્રિટિશ એરવેઝે ફગાવી દીધા હતા જેના માટે કંપનીની દલીલ ‘અસાધારણ સંજોગો’ જવાબદાર હોવાની રહી હતી. સોમવાર 9 મેએ હીથ્રો-ડબ્લિન ફ્લાઈટ રદ કરાઈ ત્યારે ક્લેઈમ કરનારા પ્રવાસીને બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે કોવિડ-19ના કારણે સર્જાયેલી વૈશ્વિક મહામારીના કારણે આ ફ્લાઈટ રદ કરાઈ હતી. કોવિડ-19 બાહ્ય પરિબળ છે જે એરલાઈનના કાબુ બહારની બાબત છે અને અસાધારણ સંજોગો છે. જોકે, હકીકત એ છે કે ગત બે મહિનાથી યુકે અને આયર્લેન્ડ વચ્ચે કોઈ પ્રવાસ નિયંત્રણો રહ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter