લંડન
બ્રિટિશ એરવેઝના પુરુષ પાયલટ અને કેબિન ક્રુના કર્મચારીઓ હવે મસ્કરા અને લિપસ્ટિકનો ઉપયોગ કરી શકશે. નિયમો હળવા બનાવતા એરલાઇન્સે જણાવ્યું હતું કે, નવી યુનિફોર્મ પોલિસીમાં કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. અમે ઇચ્છીએ છીએ કે સ્ટાફ વધુ બોલ્ડ બને. પુરુષ પાયલટ અને કેબિન ક્રુના સભ્યો નેઇલ પોલિશ પણ લગાવી શકશે. તે ઉપરાંત હેર સ્ટાઇલના આકરા નિયમો પણ હળવા બનાવવામાં આવ્યાં છે. પુરુષ કર્મચારીઓ હવે લાંબા વાળ રાખી શકશે. તે ઉપરાંત હેન્ડબેગ પણ સાથે લઇ જઇ શકશે.
જોકે બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે, શરીર પર દેખાય તેવા ટેટૂ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત મહિલા કર્મચારીઓનો યુનિફોર્મ પણ યથાવત રહેશે. જોકે તેમને વધુ રિંગ્સ પહેરવાની પરવાનગી આપવામાં આવી છે.
ગયા વર્ષે બ્રિટિશ એરવેઝે તેની ઓનબોર્ડ એનાઉન્સમેન્ટમાંથી લેડિઝ એન્ડ જેન્ટલમેનનું ઉચ્ચારણ બંધ કરી દીધું હતું. એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ એરવેઝ ખાતે અમે તમામ કર્મચારીને એકસમાન મુક્ત વાતાવરણ આપવા ઇચ્છીએ છીએ. અમે અમારા કર્મચારીઓને કામના સ્થળે તમામ પ્રકારની સૌંદર્ય સ્વતંત્રતા આપવા માગીએ છીએ.


