બ્રિટિશ એરવેઝના બોઈંગ ૭૪૭ જમ્બો જેટના યુગનો આખરે અંત

Sunday 26th July 2020 01:08 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીએ યુકેની રાષ્ટ્રીય વિમાનસેવા બ્રિટિશ એરવેઝ દ્વારા તેના પ્રખ્યાત જમ્બો જેટ બોઈંગ ૭૪૭ના કાફલાનો ભોગ લીધો છે. બ્રિટિશ એરવેઝે તેના ૩૧ બોઈંગ વિમાનોને આખરે સેવાનિવૃત્ત કરી દીધા છે. અગાઉ આ બોઈંગ વિમાનોને ૨૦૨૪માં નિવૃત્ત કરવાના હતા પરંતુ, કોરોના મહામારીના કારણે આ મહાકાય વિમાનો માટે પુરતી સંખ્યામાં મુસાફરો મળતા ન હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ સાથે બોઈંગ ૭૪૭-૪૦૦ વિમાનોને ઉડાડવા માટે તાલીમ અપાયેલા ૬૦૦થી વધુ પાઈલટ્સ માટે નોકરીનું જોખમ સર્જાયું છે.

વિશ્વના ગણનાપાત્ર હવાઈ ઓપરેટર બ્રિટિશ એરવેઝે ‘ક્વીન ઓફ ધ સ્કાઈઝ’ તરીકે ઓળખાયેલા ૩૧ જમ્બો જેટ્સના કાફલાને તત્કાળ નિવૃત્તિ આપવા નિર્ણય લીધો છે. બોઈંગ ૭૪૭ વિમાનો છેક ૧૯૭૧થી વિમાનસેવામાં કાર્યરત છે અને કોરોના મહામારી અગાઉ તેની પાસે ૩૧ વિમાનનો કાફલો હતો. અગાઉ, બોઈંગ ૭૪૭ વિમાનોને ૨૦૨૪માં નિવૃત્તિ આપવાની હતી અને તેમના સ્થાને નવા અને ઈંધણક્ષમ ૭૮૭ ડ્રીમલાઈનર અને એરબસ એ૩૫૦ જેવા જેટ વિમાનો મૂકવાની યોજના હતી. જોકે, મુસાફરોની ઘટેલી સંખ્યાના કારણે એરલાઈનને યોજના વહેલી અમલમાં મૂકવાની ફરજ પડી છે.

છેલ્લે BA 747 વિમાને બીજી જૂને કેપ ટાઉનમાં ફસાયેલા બ્રિટિશ પ્રવાસીઓને હીથ્રો લાવવા ઉડાન ભરી હતી. અગાઉ, વર્જિન એટલાન્ટિકે પણ તેનો જમ્બો જેટનો નાનો કાફલો ઉપયોગમાં નહિ લેવાની જાહેરાત કરી છે. આમ કોઈ બ્રિટિશ એરલાઈનમાં હવે આ વિમાનો નહિ રહે. બોઈંગ ૭૪૭ જેટ વિમાનોએ અડધી સદીમાં ૩.૫ બિલિયન મુસાફર અને બિલિયન્સ ટન કાર્ગોની હેરફેર કરી છે. આ કોમર્શિયલ જેટલાઈનર વિમાનોને દેશાના એરપોર્ટ્સ પર ફરજિયાત મૂકી રાખવા પડ્યા હતા. આગામી મહિનાઓમાં ચાર એન્જિન સાથેના વિશાળકાય બોઈંગ જેટ્સને તોડી તેના પાર્ટ્સ એકત્ર કરાશે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter