બ્રિટિશ એરવેઝના વર્કર્સના હડતાળ પર જવાના નિર્ણયથી વેકેશનમાં હાલાકી

Wednesday 29th June 2022 06:38 EDT
 

લંડનઃ હીથ્રો એરપોર્ટ પર બ્રિટિશ એરવેઝના ચેક-ઈન અને ગ્રાઉન્ડ સ્ટાફે મતદાન થકી હડતાળ પર જવાનો નિર્ણય કરવાથી ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે હાલાકી સર્જાશે. હાલ પણ એરપોર્ટ્સ પર પેસેન્જર્સ પ્રવાસની અરાજકતા અનુભવી રહ્યા છે તેમાં ભારે વધારો થશે. યુકેનું રેલ નેટવર્ક હડતાળોથી ખોરવાયું છે તેવા સમયે ઉડ્ડયન સેક્ટરમાં પણ હડતાળનો નિર્ણય લેવાયો છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રિટિશ એરવેઝના વર્કર્સના હડતાળના નિર્ણયથી એરપોર્ટ્સ પર સહન કરી રહેલા પેસેન્જર્સની મુશ્કેલીમાં ઉમેરો થશે.

GMB અને Unite યુનિયનના સભ્યોએ મતદાન દ્વારા આ વર્ષના પાછળના ભાગમાં સંભવિત હડતાળના નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે. GMBના 91 ટકા અને Unite યુનિયનના 94 ટકા સભ્યોએ ઈન્ડસ્ટ્રીઅલ એક્શનને ટેકો આપ્યો હતો. GMB અને Unite યુનિયનોએ જણાવ્યું છે કે મહામારીના ગાળામાં હીથ્રો એરપોર્ટના સ્ટાફના વેતનમાં 10 ટકાનો વેતનકાપ મૂકાયો હતો જે હજુ યથાવત થયો નથી. બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે તેમણે સ્ટાફને 10 ટકાના પેમેન્ટની ઓફર કરેલી છે. આની સામે યુનિયનોએ કહ્યું હતું કે આ ઓફર માત્ર એક વખતની હતી. વર્કર્સને જૂના પગાર પાછા મળે તેવી માગણી છે.

હીથ્રો એરપોર્ટના વડાએ ચેતવણી આપી છે કે મહામારીના ગાળામાં એવિયેશન સેક્ટર દ્વારા હજારો નોકરીઓમાં કાપ મૂકાયા પછી ક્ષમતા પાછી મેળવવાનો સંઘર્ષ થઈ રહ્યો છે ત્યારે આ પગલાંના કારણે એરપોર્ટ્સ પર સ્ટાફની અછતના લીધે એરપોર્ટ્સ પર મહિનાઓના વિલંબ અને ફ્લાઈટ્સ રદ થવાથી મુશ્કેલીમાં મૂકાતા પ્રવાસીઓની હાલાકીમાં વધારો થશે.

બ્રિટિશ એરવેઝના ચેક-ઈન અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્ટ્સ સહિત 700થી વધુ સ્ટાફ હડતાળમાં જોડાઈ શકે છે. મતદાનનું પરિણામ જાહેર થયા પછી GMBએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીઅલ એક્શનની તારીખ ટુંક સમયમાં જાહેર કરાશે પરંતુ, તે ઉનાળાની રજાઓના ગાળામાં હોવાની શક્યતા વધુ છે. બ્રિટિશ એરવેઝના સત્તાવાળાના જક્કી વલણના કારણે શાળાઓના વેકેશનમાં બાળકો તેમજ હોલીડેમેકર્સને પ્રવાસમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter