બ્રિટિશ એશિયન સમુદાયોનું બ્રિટિશ સમાજમાં મોટું મહત્વ છેઃ ગેરેથ થોમસ

અમે લંડનથી ગુજરાતની સીધી ફ્લાઇટ કેવી રીતે વધારી શકીએ, સમગ્ર યુકેમાં મંદિરો સાથે કેવી રીતે મળીને કામ કરી શકીએ તેની સમીક્ષા કરી છેઃ હેરો વેસ્ટના લેબર ઉમેદવાર

મહેશ લિલોરિયા Tuesday 25th June 2024 11:32 EDT
 
 

હેરો વેસ્ટના લેબર ઉમેદવાર ગેરેથ થોમસે સાંસદ તરીકે ચૂંટાઇ આવશે તો તેમની પ્રાથમિકતાનું વર્ણન ગુજરાત સમાચાર સમક્ષ કર્યું હતું. થોમસ કહે છે કે મને ચૂંટણીનો સમય ગમે છે કારણ કે તે સમયગાળામાં ઘણા લોકો સાથે વાત કરવાની તક મળે છે. હેરો વેસ્ટના લોકો અપરાધોથી ત્રસ્ત છે. હું હેરો ટાઉન સેન્ટર માટે પ્રતિબદ્ધ પોલીસ ટીમ માટે અને પોલીસ અધિકારીઓની સંખ્યામાં વધારો કરવા અભિયાન ચલાવીશ. મારી બીજી પ્રાથમિકતા શાળાઓને રિસોર્સ વધારવાની રહેશે. પૂર્વ શિક્ષક તરીકે શિક્ષણ મારા માટે અત્યંત મહત્વનું છે. બાળકોને તેમના અધિકાર પ્રમાણેનું શિક્ષણ મળે તે માટે હું આકરો પરિશ્રમ કરીશ.

થોમસે જણાવ્યું હતું કે, હેરોમાં નવી સ્પેશિયલ એજ્યુકેશન નીડ્સ સ્કૂલ માટે આર્થિક સહાય મેળવવાનું મને ગૌરવ છે. શિક્ષકો અને વાલીઓ વિના આ ઝુંબેશ સફળ થઇ શકી નહોત. શિક્ષકોના સફળ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને મને ઘણો આનંદ થયો હતો. હજુ પણ હેરોને નવી સ્પેશિયલ એજ્યુકેશન નીડ્સ સ્કૂલની સખત જરૂર છે.

થોમસે જણાવ્યું હતું કે, નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટેની સફળ ઝુંબેશ માટે પણ મને ગૌરવ છે. હું ફરીથી ચૂંટાઇશ અને દેશ લેબર સરકારને ચૂંટશે તો તેનાથી ઘણો ફેર પડશે. અમે એનએચએસમાં દર સપ્તાહાંતમાં 40,000 વધારાની એપોઇન્ટમેન્ટ સુનિશ્ચિત કરીશું.

ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, બ્રિટિશ એશિયન સમુદાયોનું બ્રિટિશ સમાજમાં મોટું મહત્વ છે. તેઓ દેશના અર્થતંત્રમાં યોગદાન, સફળ બિઝનેસની સ્થાપના, રોજગાર સર્જન દ્વારા દેશના વિકાસમાં સિંહફાળો આપે છે અને સ્થાનિક સમુદાયો પર હકારાત્મક અસર પાડે છે. મને વૈવિધ્યપૂર્ણ મતવિસ્તાર હેરોનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ હાંસલ થયું છે. પડકારો હોવા છતાં આપણું બરો રહેવા માટેનું ઉત્તમ સ્થળ છે. મેં બ્રિટિશ ગુજરાતીઓ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપની રચના કરી છે જેના માધ્યમથી સંસદમાં સાંસદો અને નિષ્ણાતો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો આયોજિત કરીને સમુદાયના આર્થિક, આરોગ્ય અને કલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા કરી શકાઇ હતી.

થોમસે જણાવ્યું હતું કે, અમે ગુજરાતી, ઉર્દુ અને હિન્દી જેવી ભાષાઓના શિક્ષણને સમર્થન માટે શું કરી શકાય તેની સમીક્ષા કરી છે. અમે લંડનથી ગુજરાતની સીધી ફ્લાઇટ કેવી રીતે વધારી શકીએ, સમગ્ર યુકેમાં મંદિરો સાથે કેવી રીતે મળીને કામ કરી શકીએ અને વિઝા અંગેની ચિંતાઓ કેવી રીતે દૂર કરી શકાય તેની પણ સમીક્ષા કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter