લંડનઃ એ-લેવલમાં સારા પરિણામ હાંસલ કર્યાં છતાં વિદ્યાર્થીઓને મેડિકલ સ્કૂલમાં એડમિશન મળી રહ્યાં નથી તેના કારણે મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયન વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુરોપ તરફ નજર માંડી રહ્યાં છે.
એ-લેવલની પરીક્ષામાં એ ગ્રેડ હાંસલ કર્યાં છતાં બ્લેકબર્નના અદનાન પટેલને બ્રિટિશ મેડિકલ સ્કૂલમાં એડમિશન ન મળ્યું પરંતુ ડોક્ટર બનવાની મહત્વાકાંક્ષાના કારણે અદનાને બલ્ગેરિયાના પ્લોવદિવ ખાતે અભ્યાસનો નિર્ણય કર્યો હતો.
અદનાન કહે છે કે મને ઓપ્ટોમેટ્રીની ઓફર મળી હતી પરંતુ મારે મેડિસિન્સમાં અભ્યાસ કરવો હતો. હું સારા ગ્રેડ ધરાવતો હતો અને મારી જાણમાં હતું કે ઘણા વિદ્યાર્થીઓ બલ્ગેરિયામાં અભ્યાસ કરી રહ્યાં છે તેથી મેં પણ ત્યાં અભ્યાસનો નિર્ણય કર્યો હતો.
હાલ પટેલ એનએચએસમાં પ્રવેશી રહેલા યુરોપિયન સંઘમાં તાલીમ લઇને આવેલા ડોક્ટરોનો હિસ્સો બની રહ્યા છે. જનરલ મેડિકલ કાઉન્સિલના આંકડા અનુસાર બલ્ગેરિયા 2023માં યુકેને મેડિકલ સ્નાતકો પૂરા પાડનારો ઝડપથી વૃદ્ધિ પામતો દેશ બની રહ્યો છે.
યુરોપમાં મેડિકલ અભ્યાસ માટે બ્રિટિશ વિદ્યાર્થીઓના પસંદગીના સ્થળોમાં પોલેન્ડ અને રોમાનિયાનો પણ સમાવેશ થાય છે પરંતુ યુકે સરકારના અંદાજ અનુસાર હાલ બલ્ગેરિયામાં 2500 બ્રિટિશ વિદ્યાર્થી મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં તાલીમ લઇ રહ્યાં છે.
2017-18માં યુકેની યુનિવર્સિટીઓમાં મેડિકલની બેઠકો 7660 હતી જે હાલ 10,415 પર પહોંચી છે. પરંતુ આ બેઠકો ઓછી પડી રહી છે અને તેજસ્વી મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશથી વંચિત રહે છે. એનએચએસ 2031-32 સુધીમાં મેડિકલ બેઠકોની સંખ્યા 15,000 કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.