લંડનઃ બ્રિટનની પાવરહાઉસ એનર્જી કંપનીએ પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરી ઈંધણ બનાવવાની પ્રક્રિયા વિકસાવી છે. આ ઈંધણનો ઉપયોગ હાઈડ્રોજન ગેસથી ચાલતી કાર્સમાં કરી શકાશે. પેટ્રોલ અને ડીઝલના ભારે વપરાશથી તેના સ્રોતો તળિયે પહોંચ્યા છે ત્યારે આગામી યુગ ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન ગેસથી ચાલતા વાહનોનો રહેશે. જાપાન હાઈડ્રોજન કાર બાબતે આગળ છે અને ૨૦૨૫ સુધીમાં તેના માર્ગો પર બે લાખ હાઈડ્રોજન કાર અને આશરે ૩૨૦ ફ્યૂલ સ્ટેશન લગાવવાનું લક્ષ્ય ધરાવે છે.
બ્રિટનમાં વર્ષે આશરે ૫૦ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે, તેમાંથી ત્રીજા ભાગથી ઓછા કચરાનું પણ રિસાઈકલિંગ થઈ શકતું નથી. અડધો વેસ્ટ તો જમીનમાં પૂરાણ તરીકે કામ લાગે છે. પાવરહાઉસ એનર્જી કંપનીના જણાવ્યા અનુસાર આ પ્લાસ્ટિક વેસ્ટને ૧૮૦૦ ડિગ્રી ફેરનહિટ જેટલા ઊંચા તાપમાને ગરમ કરી હાઈડ્રોજન, મિથેન અને કાર્બન મોનોક્સાઈડનું મિશ્રણ ધરાવતાં સિન્થેટિક ગેસ (syngas)નું ઉત્પાદન કરી શકાશે. આ સિન્ગેસમાંથી હાઈડ્રોજનને અલગ કરી તેનો ઉપયોગ વાહનોનાં ઈંધણ સ્વરૂપમાં કરી શકાય છે. અન્ય બાબત એ પણ છે કે સિન્થેટિક ગેસને સળગાવી વીજળીનું ઉત્પાદન કરી શકાય છે.
હાઈડ્રોજન ફ્યૂલ સેલ ધરાવતા વાહન ઈલેક્ટ્રિક મોટર્સથી સંચાલિત હોય છે પરંતુ, તેની એનર્જી બેટરીમાં રાખવાના બદલે હાઈડ્રોજનને હવામાં રહેલા ઓક્સિજન સાથે મિશ્ર કરી વીજ ઉત્પાદન કરાય છે. આની આડપેદાશ માત્ર પાણીની વરાળ અને ગરમી જ હોય છે.
બેટરીથી સંચાલિત કારની સરખામણીએ હાઈડ્રોજન ઈંધણવાળી કારને લાંબા અંતર સુધી ડ્રાઈવ કરી શકાય છે તેમજ બેટરીને ચાર્જિંગ કરતાં હાઈડ્રોજન ફ્યૂલ ભરવામાં ઘણો ઓછો સમય લાગે છે. પરંપરાગત વાહનોની સરખામણીએ કાર્બન ઉત્સર્જનમાં ૩૦ ટકાથી વધારે ઘટાડો થઈ શકે છે.