લંડનઃ 50 ટકા કરતાં વધુ બ્રિટિશ કન્યાઓને ગણિત શીખવામાં આત્મવિશ્વાસ નથી જ્યારે 40 ટકાને વિજ્ઞાન ભણવામાં આત્મવિશ્વાસ નથી. ટેક ચેરિટીના એક રિસર્ચ અનુસાર 54 ટકા કન્યાઓને ગણિત ભણવાનું ફાવતું નથી જેની સામે 41 ટકા કિશોરને ગણિતમાં તકલીફ પડે છે. 43 ટકા કન્યાઓ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનું પસંદ કરતી નથી જ્યારે ફક્ત 26 ટકા કિશોર વિજ્ઞાનથી દૂર રહેવા માગે છે.
ગણિત અને વિજ્ઞાન ભણવામાં ઓછો આત્મવિશ્વાસ હોવા છતાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (સ્ટેમ)ના જીસીએસઇના પરિણામોમાં કિશોરીઓ હંમેશા કિશોરોને પાછળ છોડી દે છે. જોકે એ –લેવલમાં બહુ ઓછી કન્યાઓ આ વિષયો લઇને સ્ટેમના વિષયોમાં કારકિર્દી બનાવે છે.
રિસર્ચના પરિણામો ચેતવણી આપે છે કે સ્ટેમ સેક્ટરમાં હાલમાં પ્રવર્તી રહેલી કૌશલ્યની અછત વધુ વિકરાળ બનશે. આગામી પેઢીને આ સેક્ટરોમાં જવા પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્પેશિયાલિસ્ટ શિક્ષકો નિયુક્ત કરવા જોઇએ.
યુકેના સ્ટેમ વર્ક ફોર્સમાં 2020માં 30 ટકા કરતાં ઓછી મહિલાઓ હતી. આ સેક્ટરમાં યુવતીઓને આકર્ષવા માટે શાળા સ્તરે તાલીમી શિક્ષકોના પગાર વધારવા જોઇએ. ઘણી શાળાઓ મેથ્સ, કોમ્પ્યુટર અને ફિઝિક્સના શિક્ષકો નિયુક્ત કરી શક્તી નથી.

