ન્યૂ યોર્કઃ બ્રિટનના ઈસ્લામિક કટ્ટરવાદી ધર્મોપદેશક અબુ હમઝાના આદેશના પગલે અમેરિકામાં અલ-કાયદાનો ત્રાસવાદી કેમ્પ સ્થાપવાનો પ્રયાસ કરનાર ૪૧ વર્ષીય બ્રિટિશ-ગુજરાતી મુસ્લિમ હારુન રશિદ અસવતને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. હારુન પેરેનોઇડ સ્ક્રિઝોફેનિયાનો દર્દી છે.
બ્રિટનમાં ગુજરાતી મુસ્લિમ પરિવારમાં જન્મેલા હારુન અસવતે ગયા માર્ચ મહિનામાં પોતાના પર મુકાયેલો આતંક ફેલાવવાનો ગુનો કબૂલ્યો હતો. જોકે છેલ્લા ૧૧ વર્ષથી તે અમેરિકાની જેલમાં જ છે. નોર્ધર્ન ઈંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરના બેટલીનો વતની હારુન અસવત છ વર્ષ પછી જેલમાં છૂટવા માટે અપીલ કરી શકશે. અસવતે અબુ હમઝા સાથે મળીને ૧૫ વર્ષ પહેલાં અમેરિકામાં ત્રાસવાદી કેમ્પ સ્થાપવા પ્રયાસો કર્યા હતા.
મેનહટ્ટન કોર્ટે હારુનને ૧૬ ઓક્ટોબરે સજા સંભળાવ્યા બાદ ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રીક્ટના ભારતવંશી એટર્ની પ્રીત ભરારા અને નેશનલ સિક્યુરિટીના આસિસ્ટન્ટ એટર્ની જનરલ જ્હોન કાર્લિને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું. અમેરિકામાં અલ-કાયદાનું ત્રાસવાદી નેટવર્ક ઊભું કરવાના ગુના બદલ હારુન અસવત ગુનેગાર ઠર્યો છે અને આ માટે તેને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. અસવતે ઈસ્લામિક ધર્મોપદેશક અબુ હમઝા અલ-મિસરી સાથે મળીને ૧૫ વર્ષ પૂર્વે ઓરેગોનમાં ત્રાસવાદી છાવણી સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.
હારુન અસવત પોતાના સાથી ષડયંત્રકારો સાથે અલ-કાયદાની તાલીમ લેવા અફઘાનિસ્તાન પણ ગયો હતો. હવે કોર્ટે સજા ફરમાવતા હારુનને તેના સાથીદારો સુલેમાન અબુ ઘાયથ, અબુ હમઝા અને અબુ ખાલિદ અલ ફવ્વાઝની સાથે જ જેલ ભોગવવી પડશે.
નિવેદનમાં જણાવાયું હતું કે આ ચુકાદો દર્શાવે છે કે અમેરિકામાં આતંકવાદીને લગતા કેસોમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને સજા અપાય છે.