લંડનઃ બ્રિટનની સૌથી મોટી હાઉસહોલ્ડ એનર્જી સપ્લાયર કંપની બ્રિટિશ ગેસ ઊનાળા દરમિયાન દર રવિવારે તેના લાખો ગ્રાહકોને અડધી કિંમતે વીજળી પૂરી પાડશે. બ્રિટિશ ગેસે જણાવ્યું છે કે, આ સ્કીમમાં જોડાનારા ગ્રાહકોને દર રવિવારે સવારે 11થી બપોરના 4 કલાક સુધી તેમના દ્વારા વપરાતી વીજળીના પ્રતિ યુનિટના દર અડધા જ ગણાશે. આ સ્કીમ સમગ્ર દેશમાં વીજળીની માગ ઓછી હોયછે ત્યારે ઉપલબ્ધ વીજપૂરવઠાનો ઓફ પીક ટાઇમમાં ઉપયોગ કરવા ગ્રાહકોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના તૈયાર કરાઇ છે. રવિવારે ઘણી ઓછી કચેરીઓ અને ફેક્ટરી કામ કરતી હોવાથી માગ ઓછી રે છે. તે ઉપરાંત ઊનાળાના કારણે સોલર પેનલ દ્વારા વીજળીના ઉત્પાદનમાં મોટો વધારો થાય છે. અત્યાર સુધીમાં આ સ્કીમમાં દોઢ લાખ ગ્રાહકો જોડાઇ ચૂક્યા છે અને વધુ 50,000 ગ્રાહકે તેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


