લંડનઃ ગ્રાહકોએ સર્વિસ પ્રોવાઈડર બદલ્યા ત્યારે બ્રિટિશ ગેસ દ્વારા ૯૪,૨૧૧ ગ્રાહકો પાસેથી નિર્ધારિત કરતાં વધુ રકમ વસૂલવામાં આવી હતી અને ખોટી રીતે એક્ઝિટ ફી પણ લેવાઈ હતી. આ બાબતે એનર્જી રેગ્યુલેટર ઓફ્જેમ દ્વારા તપાસ હાથ ધરાતા બ્રિટિશ ગેસ કંપનીએ ૨.૬૫ મિલિયન પાઉન્ડની રકમ ગ્રાહકોને પરત ચૂકવી હતી.
સિસ્ટમમાં ભૂલને લીધે કંપનીએ ગ્રાહકો પાસેથી કુલ ૭૮૨,૪૫૦ પાઉન્ડની વધુ રકમ વસૂલી હતી. વધુમાં, ૪૯ દિવસની સ્વિચીંગ વિન્ડો દરમિયાન પણ એક્ઝિટ ફી લાગૂ પડશે તેવી ખોટી માહિતી કંપનીએ ૨.૫ મિલિયન ગ્રાહકોને આપી હતી. ઓફ્જેમની તપાસ પૂરી થયા પહેલા કંપનીએ જે ગ્રાહકોને એક પાઉન્ડ કરતાં વધુ રકમનો ઓવરચાર્જ કર્યો હતો તે તમામને રિફન્ડ આપ્યું હતું અને ૫૦૨,૬૩૩ પાઉન્ડ વળતર તરીકે ચૂકવ્યા હતા.