લંડન
એકતરફ બ્રિટનની જનતા કાળઝાળ મોંઘવારી સામે ઝઝૂમી રહી છે ત્યારે ગેસ કંપનીઓ તગડો નફો રળી રહી છે. બ્રિટિશ ગેસની માલિક સેન્ટ્રિકાએ ગયા વર્ષે ઓઇલ અને ગેસની કિંમતોમાં વધારો કર્યા બાદ તગડો નફો કર્યો છે. જેના કારણે એનર્જી કંપનીઓ પરનો ટેક્સ વધારવાની માગ બુલંદ બની રહી છે. 2021માં સેન્ટ્રિકાનો નફો 948 મિલિયન પાઉન્ડ હતો જે 2022માં 3 ગણો વધીને 3.3 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે. રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ એનર્જી કંપનીઓના નફામાં રેકોર્ડ વધારો નોંધાયો છે. આર્થિક રીતે નબળા પરિવારોના ઘરોમાં બળજબરીથી પ્રિપેમેન્ટ મીટરો લગાવવાની કાર્યવાહીની આકરી ટીકા થયા બાદ બ્રિટિશ ગેસના આ તગડા નફાના અહેવાલો સામે આવ્યા છે.
બ્રિટનની જનતા મસમોટા ગેસ અને વીજળીના બિલોથી પરેશાન થઇ રહી છે ત્યારે એનર્જી કંપનીઓના તગડા નફાને જોઇને તેમના પર વધુ ટેક્સ લાદવાની માગ ઉઠી રહી છે. એન્ડ ફ્યુઅલ પોર્વટી કેમ્પેને જણાવ્યું છે કે એનર્જી માર્કેટ ગ્રાહકોને વધુ સંઘર્ષમાં મૂકી રહ્યું છે તેથી તેમાં તાકિદે સુધારા કરવાની જરૂર છે. જોકે સેન્ટ્રિકાના વડા ક્રિસ ઓશિઆએ જણાવ્યું હતું કે, બ્રિટિશ ગેસે તેના ગ્રાહકોને મદદ માટે 75 મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે. કંપનીનો મોટાભાગનો નફો બ્રિટિશ ગેસ એનર્જી સપ્લાય બિઝનેસમાંથી નહીં પરંતુ ન્યુક્લિયર, ઓઇલ અને ગેસના બિઝનેસમાંથી થયો છે. 3.3 બિલિયન પાઉન્ડના નફામાંથી અમે 75 મિલિયન પાઉન્ડ ગ્રાહકોની મદદ માટે ફાળવ્યા છે.
કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીના નફામાં 2021ની સરખામણીમાં 39 ટકાનો ઘટાડો નોંધાયો છે કારણ કે કંપનીએ ગ્રાહકોને મદદ કરવા સ્વયંભૂ દાન આપ્યું છે.


