બ્રિટિશ ચર્ચ રાજ્યાશ્રયના બોગસ દાવાઓને સપોર્ટ કરતા હોવાનો આરોપ

રાજ્યાશ્રયના કેસોની ચકાસણીનું કામ હોમ ઓફિસનુઃ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ

Tuesday 06th February 2024 11:02 EST
 

લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરીઓ સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલે બ્રિટિશ ચર્ચો પર બોગસ રાજ્યાશ્રયના દાવાઓને સપોર્ટ કરવાનો આરોપ મૂક્યો છે. ક્લેપહામમાં હુમલો કરનાર અબ્દુલ એઝદીના કેસને ટાંકતા સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, કેબિનેટમાં મારા કાર્યકાળ દરમિયાન દેશભરના ચર્ચ બોગસ રાજ્યાશ્રયના દાવાઓની સુવિધા કરી આપતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, થોડા મહિના સુધી તમે દર સપ્તાહે ચર્ચની પ્રાર્થનાસભામાં હાજર રહો,, વિકાર સાથે થોડી મિત્રતા કેળવી લો, બાપ્તિસ્મા લો અને ત્યારબાદ જલસા કરો. તમને પ્રમાણપત્ર આપી દેવાશે કે તમે ઇશ્વરની બીક રાખનારા ખ્રિસ્તી છો. જો તમને તમારા ઇસ્લામિક દેશમાં પરત મોકલાશે તો તમારી સતામણી થશે. તેમ થવું જોઇએ નહીં.

બ્રેવરમેન પહેલાં 2022 સુધી હોમ સેક્રેટરી રહેલા ડેમ પ્રીતિ પટેલે લીવરપુલ હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ કરનાર ઇમાદ જમીલનુ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યાશ્રયના મામલામાં ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવ્યો હોય ત્યારે તેવા કેસોની ચકાસણી જરૂરી બની જાય છે. આમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની પણ જવાબદારી બને છે. ધાર્મિક આગેવાનો કોઇપણ સુધારાને સ્વીકારતાં નથી.

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યાશ્રય વાંચ્છુઓનું મૂલ્યાંકન કરવું અને વ્યક્તિગત કેસની ચકાસણી કરવાનું  કામ ચર્ચનું નહીં પરંતુ હોમ ઓફિસનું છે.

રાજ્યાશ્રયના દુરુપયોગ અંગે ગંભીર સવાલો સર્જાયાં

કલેપહામમાં થયેલા કેમિકલ હુમલા બાદ યુકેમાં રાજ્યાશ્રયના દુરુપયોગ સામે સવાલો સર્જાયાં છે. બ્રિટનમાં ગંભીર અપરાધો આચરનારાને રાજ્યાશ્રય નહીં આપવા અને તેમને દેશનિકાલ કરવાની માગ બુલંદ બની રહી છે. છેલ્લા એક વર્ષમાં લંડનમાં આ પ્રકારના અપરાધોમાં 45 ટકાનો વધારો થયો છે. વિશ્વમાં નોંધાયેલા હુમલાના મામલામાં બ્રિટન ટોચના સ્થાને પહોંચ્યો છે. તેમાં પણ મહિલાઓ પરના હુમલામાં મોટો વધારો નોંધાયો છે. 2021માં 421ની સામે 2022માં 710 હુમલા નોંધાયા હતા. ક્લેપહામનો શંકાસ્પદ હુમલાખોર અફઘાન શરણાર્થી છે. એઝદી બળાત્કારનો અપરાધી હતો અને તેને બે વાર રાજ્યાશ્રય આપવાનો ઇનકાર કરાયો હતો. ત્યારબાદ તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને તેના માટે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સાક્ષી અપાયા બાદ તેને ત્રીજી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી બ્રિટનમાં રહેવાની પરવાનગી અપાઇ હતી. સવાલ એ છે કે બળાત્કાર માટે દોષી ઠરેલા એઝદીને શા માટે બ્રિટનમાં રહેવાની પરવાનગી અપાઇ હતી. રાજ્યાશ્રય વાંચ્છુઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવીને સિસ્ટમનો દુરુપયોગ થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter