લંડન
બ્રિટનમાં કિંગ ચાર્લ્સ તૃતિયના નામના ચલણી સિક્કા ગયા સપ્તાહથી ચલણમાં આવી ગયાં છે. બ્રિટનના નવા રાજવીની તસવીર ધરાવતા 50 પેન્સના નવા સિક્કા દેશભરની ટપાલ કચેરીઓ દ્વારા વિતરિત કરાયા હતા. આ સાથે જ બ્રિટનનું ચલણ ક્વીન એલિઝાબેથ દ્વિતિયના યુગમાંથી કિંગ ચાર્લ્સ તૃતિયના યુગમાં પ્રવેશી ગયું હતું. સિક્કાની બીજી બાજુ પર ક્વીનના જીવન અને વારસાને દર્શાવવામાં આવ્યાં છે.
રોયલ મિન્ટ ખાતે ડિરેક્ટર ઓફ કલેક્ટર સર્વિસ તરીકે ફરજ બજાવતા રેબેકા મોર્ગને જણાવ્યું હતું કે, બ્રિટિશ ચલણમાં હવે નવા યુગનો પ્રારંભ થયો છે. કિંગ ચાર્લ્સ તૃતિયની પ્રતિકૃતિ ધરાવતા 50 પેન્સના સિક્કાને વ્યવહારમાં મૂકી દેવાયાં છે. સિક્કા એકઠાં કરનારા શોખીનો માટે પણ આ એક અદ્દભૂત તક છે. રોયલ મિન્ટ છેલ્લા 1100 વર્ષથી રાજવીની પ્રતિકૃતિ સાથેના સિક્કા તૈયાર કરી રહી છે. કિંગ ચાર્લ્સ તૃતિયની પ્રતિકૃતિ સાથેના સિક્કા જારી કરીને આ પરંપરા જાળવી રાખવાનું અમને ગર્વ છે.
રોયલ મિન્ટ દ્વારા 50 પેન્સના 9.6 મિલિયન સિક્કા ચલણમાં મૂકાશે. માગ વધવાની સાથે વધુ સિક્કા જારી કરાશે.


