લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારી સરકારે યુકેમાં માઇગ્રેશન મર્યાદિત કરવામાં પ્રગતિ કરી છે. ગેરકાયદેસર માઇગ્રેશનની સંખ્યામાં થયેલા ઘટાડાનો ઉલ્લેખ કરતા સુનાકે જણાવ્યું હતું કે, હું બ્રિટિશ જનતા પર ગેરકાયદેસર માઇગ્રેશનના બોજાને ઘટાડવા પ્રતિબદ્ધ છું. સરકાર કરદાતાઓના કરોડો પાઉન્ડની બચત કરી રહી છે. હોમ ઓફિસે તાજેતરમાં જારી કરેલા આંકડા અનુસાર 2023માં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાં 36 ટકાનો ઘટાડો થયો છે.
સરકારે દાવો કર્યો છે કે તે રાજ્યાશ્રયના પડતર કેસો ઘટાડવામાં પણ સફળ રહી છે પરંતુ ટીકાકારો સરકાર પર આંકડામાં હેરાફેરીનો આરોપ મૂકી રહ્યાં છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 28 જૂન 2022 પહેલાં રાજ્યાશ્રય માટે કરાયેલી તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. અરજીઓની પ્રક્રિયામાં 10 ગણી ઝડપના કારણે આ શક્ય બન્યું છે. ફક્ત કેટલાંક જટિલ કેસમાં જ નિર્ણય લઇ શકાયો નથી.બીજી તરફ લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે સરકાર લક્ષ્યાંક હાંસલ કરી લીધો હોવાના ખોટા દાવા કરી રહી છે.


