લંડનઃ Isil માટે હુમલાઓનું આયોજન કરતા બ્રિટિશ જેહાદીઓને વડા પ્રધાન કેમરનની વિનંતીથી યુએનની વૈશ્વિક પ્રતિબંધિત યાદીમાં મૂકાયા છે. કોઈ દેશે પોતાના નાગરિકોને યુએનની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ યાદીમાં મૂક્યાની આ પ્રથમ ઘટના છે. પ્રતિબંધિત બ્રિટિશ જેહાદીઓમાં ઓમર હુસૈન, સેલી-એન જોન્સ, નાસેર મુથાના અને અક્શા મહમૂદનો સમાવેશ થાય છે.
ગયા મહિને ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ત્રાસવાદી જુનૈદ હુસૈનની વિધવા સેલી અને અન્ય ત્રાસવાદીઓના બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરી દેવાયાં છે અને જો તેઓ પ્રવાસનો પ્રયાસ કરશે તો તેમની અટકાયત કરી લેવાશે. પૂર્વ મેડિકલ સ્ટુડન્ટ અને Isilનો રીક્રુટર નાસેર મુથાના, ૨૦૧૩માં ગ્લાસગોથી નાસી છુટેલો અક્શા મહમૂદ અને સુપરમાર્કેટ જેહાદી તરીકે ઓળખાતો ઓમર હુસૈન સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના ગઢમાં હોવાનું કહેવાય છે.