બ્રિટિશ દંપતીનું ડ્રીમ કિચનઃ અહીં સચવાયા છે પ્રાચીન કાળના ૧૫૦૦થી વધુ વાસણો

Saturday 21st March 2020 06:20 EDT
 
 

લંડનઃ બ્રિટિશ દંપતી રોબર્ટ ડિલે અને મિલેનીએ ‘સપનાના રસોડા’ને હકીકતમાં સાકાર કર્યું છે. આ દંપતીએ ફ્રેન્ચ કિલ્લાવાળી અસલ ઓળખ સમાન પ્રાચીન કાળના ૧૫૦૦થી વધુ વાસણ એકત્ર કર્યાં છે અને ભોજન બનાવવા માટે તેનો ઉપયોગ પણ કરે છે. ૭૭ વર્ષીય રોબર્ટ ડિલે છ વર્ષના હતા ત્યારે આન્ટીએ તેમને ઈંગ્લિશ તાંબાનો જગ ભેટમાં આપ્યો અને ત્યારથી સપનાના રસોડાની તેમની અકલ્પનીય યાત્રા શરૂ થઈ હતી.
હાલમાં તેમની પાસે ૧૩મીથી ૧૯મી સદીના વિચિત્ર અને આકર્ષક એવા ૧૫૦૦થી વધારે વાસણ અને સાધનો છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી એકત્ર કરેલાં પ્રાચીનકાલીન રસોઈનાં વાસણ, ખેતીના સાધનો, બાઉલ્સ અને કટલરી સંગ્રહનો સમાવેશ થાય છે.
ફ્રેન્ચ કેસલમાં ૭૧ વર્ષીય પત્ની મિલેની તથા આઠ વર્ષના વફાદાર લાબ્રાડોર ટીલ સાથે વસતા ૭૭ વર્ષના બ્રિટિશર રોબર્ટના રસોડામાં તમને આધુનિક જ્યુસર, બ્લેન્ડર્સ કે ફેશનેબલ સ્ટીમ ઓવન જોવા નહિ મળે પરંતુ, રસોઈ બનાવવા અતિ પ્રાચીન વાસણ અને સાધન જોવા મળશે તથા તેમાં બનાવેલી રસોઈ અને જ્યૂસનો લ્હાવો પણ માણી શકાય છે. આવા વાસણોનો ઉપયોગ તેઓ મીટને રોસ્ટ કરવાથી માંડીને રસોઈ બનાવવા માટે પણ કરે છે, જે મધ્યકાલીન યુગની યાદ તાજા કરાવે છે. હાલના સમયે રસોઈ માટેની તેમની તૈયારી જોઇએ તો એવું લાગે કે માસ્ટર શેફ નહીં પણ ગેમ ઓફ થ્રોન છે.

એક સમયના ખેડૂત તથા એન્ટિક ડિલર રોબર્ટ ડિલેએ ૧૯૯૦માં પોતાના ગાસકોની ખાતેના કેસલના પુનર્સ્થાપનની કામગીરી આરંભી ત્યારે રસોડામાં ચારેતરફ વેલા તથા વૃક્ષ ઉગી નીકળ્યા હતા. આજે તેમનું રસોડું ગેસ્ટ્રોનોમી મ્યુઝિયમ લાગે છે.
તેઓ ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંતિ સુધી કોઇએ હાથ નહિ લગાવેલા કિલ્લામાં આવ્યા ત્યારે ઉપરના ભાગે છત પણ ન હતી. તેમણે છત ફરી બનાવડાવી અને બે ઐતિહાસિક સગડીઓને પણ નવેસરથી બનાવી હતી. હવે તો અહીં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને યુરોપમાં ફરીને એકત્ર કરેલા રસોઈ માટેના પ્રાચીનકાલીન વાસણ, ખેતીના સાધનો, વાટકાઓ તથા કટલરી પણ જોવા મળે છે. ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડફાધર ડિલે ઉમેરે છે કે નેશનલ ટ્રસ્ટ હોમ્સ ખાતે શાક વઘારવાના તાંબાના તપેલાં મોટી સંખ્યામાં જોવા મળશે પરંતુ, મારો પ્રયાસ આપણા પૂર્વજો ઘરમાં જે વાસણોનો ઉપયોગ કરતા હતા તેને એકત્ર કરવાનો રહ્યો છે. રાંધવા માટે મારી પાસે બન્ને છેડે એક એક હાથા સાથેનું પિત્તળનું ડેન્ગલ સ્પીટ છે જેમાં મીટ ભરાવીને બન્ને તરફ ફેરવી શકાય છે. તો ફેગોટ ઓવન્સમાં કોલસા અને લાકડાના ઉપયોગથી રાંધી શકાય છે. તેમની પાસે ૧૩મી સદીના કાંટા અને સ્કમર પણ છે.
ડિલે જમવા માટે ૮૦૦ વર્ષ જૂના વાસણોનો ઉપયોગ કરે છે. તેમના સંગ્રહમાં મીટ ઝડપથી રાંધી શકાય તેવા હેસ્ટનર્સનો પણ થાય છે જેમાં, માંસને હુકમાં ભરાવી લટકાવી રખાય અને નીચેથી મળતી ગરમીથી તે શેકાય છે. બોટલ જેક અને હેસ્ટનર્સનું સંયોજન એવું છે કે રસોઈ કરનારનું ધ્યાન ના હોય તો પણ સતત ફરતું રહીને માંસ શેકાતું રહે છે.
ડિલેને મહેનતપૂર્ણ જાળવણી સાથેના તેમના સંગ્રહનો ખરીદનાર મળવાની આશા છે. તેઓ કહે છે કે, ‘મારી પત્નીના સાથ અને સહકાર વગર આ શક્ય ના બન્યું હોત. મને લાગે છે કે હું તરંગી પ્રકારનો છું. તેનાં સાથ વગર હું આ ના કરી શક્યો હોત.’
જીવનસાથી મિલેની પણ સ્વીકારે છે કે આ તમામ સંગ્રહની જાળવણી અને નિયમિત સફાઈ કરવા ખૂબ કામ કરવું પડે છે. મધ્યકાલીન યુગમાં તો આવા પ્રકારના વાસણો માટે બહોળી સંખ્યામાં નોકર રહેતા પરંતુ, અમારી પાસે ઘણા નોકર નથી. ફક્ત હું એકલી જ છું. જો રોબનો સંગ્રહ તૂટે તો તે શરમજનક બાબત બનશે, કારણ કે મને નથી લાગતું કે હવે કોઇ સરળતાથી તેને મેળવી શકશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter