બ્રિટિશ દંપતીને સળંગ ૧૦ પુત્ર પછી પુત્રીનો જન્મ

Wednesday 18th September 2019 14:59 EDT
 
 

લંડનઃ સામાન્યપણે લોકોને પુત્રજન્મની વધામણી સાંભળવાની ખ્વાહિશ હોય છે અને ઘણા કિસ્સામાં પુત્ર-ઘેલછામાં પુત્રીઓની લાંબી લાઈન લાગી જાય છે. જોકે, સ્કોટલેન્ડના એલેક્સીસ અને ડેવિડ બ્રેટ દંપતીને ત્યાં ઉલ્ટી થેમ્સ વહી છે. તેમને ત્યાં ૧૫ વર્ષમાં સતત ૧૦ પુત્રના પારણા બંધાયા પછી ૨૭ ઓગસ્ટે પુત્રીનો જન્મ થયો છે. બ્રેટ દંપતી હરખ વ્યક્ત કરતાં કહે છે હવે અમારા માટે પરિવાર સંપૂર્ણ બની ગયો છે.
બ્રેટ પરિવાર રોસ-શાયરના ડિંગવોલમાં પાંચ બેડરૂમના મકાનમાં રહે છે. સળંગ ૧૦ પુત્રનો જન્મ થયો હોય તેવું પ્રથમ બ્રિટિશ દંપતી છે. હાલ ૩૯ વર્ષની એલેક્સીસ ૨૨ વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ પુત્રને જન્મ આપ્યો હતો. નવજાત બાળકીને ખોળામાં રમાડતાં એલેક્સીસ કહે છે, ‘અમે સાતમા આસમાને છીએ. આ વખતે પણ દીકરો આવ્યો તેમ સાંભળવાની ધારણા હતી, પરંતુ દીકરીના આગમનથી હું ભારે ખુશ થઈ છું.’ એલેક્સીસ હસતાં કહે છે કે, ‘હવે બસ, વધુ નહિ. ગઈ વખતે પણ આમ કહ્યાનું મને યાદ છે, પરંતુ હવે સાચું કહું છું. મારો પરિવાર જેવો છે તે મને ગમે છે. અમારે આટલાં બાળકો છે તેના વિશે લોકો ટીકા-ટિપ્પણી કરે છે. અમે ટેવાઈ ગયાં છીએ. કેટલાક લોકો માને છે કે અમે બેનિફિટ્સ મેળવતાં હોઈશું, પરંતુ તેવું નથી. ડેવિડની નોકરી સારી છે એટલે અમે આમેય ચાઈલ્ડ બેનિફિટને લાયક નથી.’
પરિવારમાં પરી જેવી બહેનના આગમનથી બેથી ૧૭ વર્ષની વયના ભાઈઓના જીવન પર પણ ઘણી અસર થઈ છે. ૪૪ વર્ષીય ટ્રેન ડ્રાઈવર ડેવિડ બ્રેટનું કહેવું છે કે હવે બધા ભાઈઓ બહેન કેમેરોન જાગી ન જાય તે માટે સારું વર્તન કરતાં અને બહેનને હાથમાં રાખવામાં મદદ કરતા થઈ ગયા છે.
બ્રેટ પરિવારમાં કેમ્પબેલ (૧૭ વર્ષ), હેરિસન (૧૬), કોરે (૧૪), લેશલાન (૧૧), બ્રોડી (૯), બ્રાન (૮), હન્ટર (૬), મેક (૫ષ), બ્લેક (૩) અને રોથાગેધ (૨ વર્ષ)નો સમાવેશ થાય છે. આટલા મોટા પરિવાર માટે સાપ્તાહિક ફુડ બિલ ૩૦૦ પાઉન્ડ જેટલું થાય છે. ખોરાકમાં સીરીલના ૯ મોટાં બોક્સ, ૧૬ પાવરોટી, ૫૦ પિન્ટ દૂધ, સાત લિટર ફ્રૂટ સ્ક્વોશ, ક્રિસ્પ્સના ૧૦૦ પેકેટ, ૩૦ સફરજન, ૨૫ કેળાં, બે કિલોગ્રામ પાસ્તા સહિતની સામગ્રી વપરાય જાય છે, આટલો સામાન બે મોટાં બે ફ્રીઝમાં પણ માતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter