• બ્રિટિશ વિદેશી સહાયના નાણાથી ભ્રષ્ટાચારને ઉત્તેજનઃ દરિયાપાર યુકે સરકાર દ્વારા રોકાણ કરાતાં નાણા ભ્રષ્ટાચારી રીતરસમોને સક્રિય ઉત્તેજન આપતા હોવાનું ઈન્ડીપેન્ડન્ટ કમિશન ફોર એઈડ ઈમ્પેક્ટની તપાસમાં બહાર આવ્યું છે. નેપાળમાં એક વિકાસ પ્રોજેક્ટમાં ગ્રાન્ટ મેળવવા લોકોને બનાવટી દસ્તાવેજો ઉભાં કરવાનું પ્રોત્સાહન મળ્યું હતું, જ્યારે નાઈજિરિયામાં બ્રિટિશ સહાય સાથે સંકળાયેલા પોલીસ સ્ટેશનો સહાયના બદલામાં લાંચની માગણી કરતા હતા. આ રિપોર્ટથી યુકેની કુલ રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા વિદેશ સહાય ખર્ચને ફાળવવાના કેમરન સરકારના નિર્ણયની ટીકાને ઉત્તેજન મળશે.
• ઈમામ સામે બનાવટી લગ્નોની ટ્રાયલ ભાંગી પડીઃ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ અને હોમ ઓફિસના ઢંગધડાં વિનાની કામગીરીના પગલે નોર્થ વેસ્ટ લંડનના ઈમામ મોહમ્મદ મત્તારની ટ્રાયલને નુકસાન થયું છે. તેની ટ્રાયલ ૧૩ ઓક્ટોબરે આઈઝલવર્થ ક્રાઉન કોર્ટમાં શરૂ થવાની હતી. આ ઈમામે દેશમાં રેસિજેન્સી ઈચ્છતા મુસ્લિમ પુરુષો સાથે ઈયુની સ્ત્રીઓના ૫૮૦ બનાવટી લગ્નો કરાવ્યાની શંકા છે. હેમ્પસ્ટીડના મોહમ્મદ સત્તાર સામે ઈજિપ્શિયન બેન્ક એકાઉન્ટ મારફત ગુનાહિત નફા તરીકે ૧.૮૮ મિલિયન પાઉન્ડથી વધુ મની લોન્ડરિંગનો આરોપ હતો તે પણ એપ્રિલ મહિનામાં પડતો મૂકાયો હતો. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ બચાવપક્ષને પૂરાવાની સામગ્રી પૂરી પાડવામાં નિષ્ફળ જતાં કોર્ટે વધુ મુદતની માગણી નકારી હતી.
• ત્રાસવાદી માહોલમાં બ્રિટિશ પ્રવાસીઓને સાવચેતીની સલાહઃ ફોરેન ઓફિસે વિશ્વમાં ત્રાસવાદની વધેલી ધમકીઓના કારણસર બ્રિટિશ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝ અપડેટ કરી છે. સીરિયા અને ઈરાકમાં સાથી દળોની કાર્યવાહી અને સંકળાયેલા દેશો માટે જોખમને ધ્યાનમાં રાખી યુકેના હિતો અને બ્રિટિશ નાગરિકોના સંદર્ભે પ્રવાસમાં સાવધાની રાખવાની ચેતવણી અપાઈ છે.
• ઘડિયાળ પાછી ફેરવવાથી વીજબિલમાં થનારો વધારોઃ શિયાળામાં ઘડિયાળોને એક કલાક પાછી કરી ગ્રીનીચ મીન ટાઈમનું પાલન કરવાના પરિણામે સામાન્ય પરિવારના વાર્ષિક વીજબિલમાં ૨૪ પાઉન્ડનો વધારો થશે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. આમ, સમગ્ર દેશના શિયાળુ વીજબિલમાં કુલ ૬૩૦ મિલિયન પાઉન્ડનો વધારો થશે. શિયાળામાં સાંજ સત્તાવાર મોડી થવા છતાં અંધકાર ઘેરો બનવાથી ઘરમાં પ્રકાશ માટે લાઈટની સ્વીચો વહેલી પાડવી પડશે.
• ઘેર રહેતી માતાઓને રોજગારીના પ્રયાસઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૨૦૧૬ના આરંભ સુધીમાં આશરે ૫૦૦,૦૦૦ વધુ સ્ત્રીઓ કામ કરવા જતી થાય તેમ કરવા માગે છે. આના પરિણામે બ્રિટનમાં કામ કરતી મહિલાઓનો દર જર્મનીમાં સ્ત્રી રોજગારની સમાન બનશે. યુકેમાં બાળસંભાળ સુધારાની સરકારી યોજનાઓ હેઠળ ઘેર રહેતી હજારો માતાઓને કામ કરવા જવા પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સમગ્ર દેશમાં બાળસંભાળની સવલતો મળતી થાય તેવાં પ્રયાસ કરાશે.
ઈંગ્લેન્ડમાં ડાયાબિટીસ અનિયંત્રિતઃ લંડનઃ ઈંગ્લેન્ડના મોટા ભાગના પ્રદેશોમાં ડાયાબિટીસ અનિયંત્રિત હોવાનું નવા રિપોર્ટમાં જણાવાયું છે. દર ત્રણમાંથી એક દર્દીનાં જ બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટરોલનું પ્રમાણ યોગ્ય નિયંત્રણ હેઠળ હોય છે.પબ્લિક હેલ્થ ઈંગ્લેડના નવા ડેટા અનુસાર દર સપ્તાહે ૧૨૦ અંગવિચ્છેદન કરાય છે અને કોઈ પણ વિસ્તારમાં સારવારના લક્ષ્યાંકો પરિપૂર્ણ થતાં નથી. ઈસ્ટ લંડન અને સફોકમાં રહેતા દર્દીઓની હાલત સૌથી વધુ ખરાબ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ નિષ્ફળતા ચિંતાજનક છે કારણ કે અનિયંત્રિત ડાયાબિટીસ અંગવિચ્છેદન, અંધાપા, કિડનીની નિષ્ફળતા અને કસમયના મૃત્યુ જેવી જટિલતાઓ લાવે છે.

