બ્રિટિશ ધનવાનો ટેક્સ ડિસ્કાઉન્ટના ફાયદા મેળવવા ઈટાલી તરફ

Wednesday 09th September 2020 01:41 EDT
 

લંડનઃ યુકેમાં ધનવાનો પર ટેક્સ વધવાની વકી છે ત્યારે સુપરરિચ લોકોને ઈટાલી તરફ આકર્ષવાના ટેક્સ રાહતોના પગલાં ધનવાન બ્રિટિશરોને તેનો ફાયદો લેવા પ્રેરી રહ્યા છે. જે લોકો ઈટાલીને પોતાનું ટેક્સ રેસિડેન્સ બનાવે તેમના માટે વિદેશમાં કમાયેલી તમામ આવક પર વાર્ષિક ૧૦૦,૦૦૦ યુરોનો ટેક્સ લેવાની યોજનાએ બે વર્ષમાં ૭૮૪ ધનવાનોને ઈટાલી જવા લલચાવ્યા છે જેમાંથી, બ્રિટિશ ધનવાનોની સંખ્યા ૧૦ ટકા અથવા ૭૮ છે.

ઈટાલીમાં ટેક્સ રેસિડેન્સ ધરાવનારા વિદેશી ધનવાનો માટે ૨૦૧૭માં ટેક્સ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરાઈ હતી. જેનો લાભ ૭૮૪ વિદેશી ધનવાનોએ લીધો છે. તેનો લાભ લેવામાં ૭૮ ધનવાનો સાથે બ્રિટન પ્રથમ ક્રમે છે જ્યારે, ફ્રાન્સના (૫૮) અને યુએસના (૨૦) અને રશિયાના ૧૯ ધનવાનોએ તેનો લાભ લીધો છે. વિદેશમાં કરેલી તમામ કમાણી પર વાર્ષિક ૧૦૦,૦૦૦ યુરોનો ટેક્સ લેવાની યોજના ઈટાલીને ટેક્સ હેવન બનાવે છે. નવાઈની બાબત એ છે કે ટેક્સ હેવન ગણાયેલા કેમેન આઈલેન્ડ્સના એક ધનવાને પણ પોતાનું સરનામું ઈટાલીનું કરી નાખ્યું છે. જેનોઆમાં જન્મેલા અને એલ્જેબ્રિસ ઈન્વેસ્ટમેન્ટ્સના માલિક ડેવિડ સેરાએ કરરાહતોનો ફાયદો લેવા ૨૦૧૮માં બ્રિટન છોડી ઈટાલી પ્રયાણ કર્યું હતું. તેમને લાગ્યું હતું કે બ્રેક્ઝિટ પછી યુકેમાં નાણાકીય લાભ મળશે નહિ અને ઈટાલીના નવા ટેક્સદર પણ તેમને માફક આવે તેવા હતા.

ઈટાલીના પૂર્વ વડા પ્રધાન મેટેઓ રેન્ઝીએ ૨૦૧૭માં દાખલ કરેલા નિયમ અનુસાર ગત ૧૦ વર્ષમાં નવ વર્ષ ઈટાલીમાં રહ્યા ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ દેશની બહાર કમાયેલી તમામ આવક પર નિર્ધારિત વાર્ષિક ૧૦૦,૦૦૦ યુરોનો ટેક્સ ચુકવવા અરજી કરી શકે છે. આ ટેક્સમાં ઈન્હેરિટન્સ પેમેન્ટ્સ અને વિદેશથી ઈટાલીમાં લવાયેલા નાણાનો સમાવેશ થતો હતો. તેને પ્રતિ વ્યક્તિ વધારાના ૨૫,૦૦૦ યુરોના ચાર્જ સાથે પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લઈ શકાતા હતા. આ નિશ્ચિત ટેક્સની સવલત ૧૫ વર્ષ માટે મળનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter