લંડનઃ બ્રિટિશ નાગરિક 67 વર્ષીય ચરણજિતસિંહ ગ્રેવાલ પર લગ્નનું ખોટું વચન આપી અમેરિકા સ્થિત એનઆરઆઇ રૂપિન્દર કૌર પાંઢેરની ભારતના પંજાબમાં હત્યા કરાવવાનો આરોપ મૂકાયો છે. ચરણજિતે અમેરિકાના સિએટલમાં રહેતા રૂપિન્દર કૌર પાંઢેરને જુલાઇ મહિનામાં લગ્ન કરવા માટે પંજાબ આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેના ઇરાદા કંઇક જુદાજ હતા. ચરણજિત રૂપિન્દર સાથે લગ્ન કરવા ઇચ્છતો નહોતો તેથી તેણે કિલા રાયપર ગામના સુખજીત સિંહને રૂપિન્દરની હત્યાની સોપારી આપી હતી. સુરજીત સિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ચરણજિતના ઇશારે તેણે હત્યા કરી હતી. સુરજીતે રૂપિન્દરની લાશને સળગાવી દઇ તેના અવશેષો કોથળાઓમાં ભરીને ઘૂંઘરાણા ગામના નાળામાં નાખી દીધા હતા.
પરણિત હોવા છતાં ચરણજિત મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી રૂપિન્દરના સંપર્કમાં આવ્યો હતો. તે તેની સાથે લગ્ન કરવા ન ઇચ્છતો હોવાથી તેણે સુરજીતને રૂપિયા 50 લાખ અને વિદેશ લઇ જવાની લાલચ આપી હતી.


