બ્રિટિશ નાગરિકતા મેળવવા રેકોર્ડ અરજી, 31,298 અરજી સાથે ભારતીયો મોખરે

એક જ વર્ષમાં 3,12,000થી વધુ શરણાર્થી, પ્રવાસી કામદારો અને તેમના આશ્રિતોએ નાગરિકત્વ માટે અરજી કરી

Tuesday 26th May 2026 11:03 EDT
 
 

લંડનઃ બ્રિટિશ નાગરિકત્વ મેળવવાના નિયમો વધુ કડક બને તે પહેલાં ત્યાં સ્થાયી થવા ઈચ્છતા માઈગ્રન્ટ્સ મોટી સંખ્યામાં અરજીઓ કરી રહ્યા છે. હોમ ઓફિસના તાજેતરના આંકડા અનુસાર માર્ચ મહિના સુધીના એક જ વર્ષમાં 3,12,000થી વધુ શરણાર્થી, પ્રવાસી કામદારો અને તેમના આશ્રિતોએ નાગરિકત્વ માટે અરજી કરી છે. આ ઉપરાંત ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન માટે પણ માર્ચ સુધીના બે વર્ષમાં 3,31,000 લોકોએ અરજી કરી છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે બ્રિટિશ નાગરિકત્વ માટે અરજી કરનારાઓમાં ભારતીય નાગરિકો સૌથી મોખરે છે. ભારતીયો દ્વારા 31,298 અરજી કરવામાં આવી છે જે કુલ અરજીના 10 ટકા છે.

તમામ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા નાગરિકત્વ મેળવવાના નિયમો વધુ કડક કરવાની અને તેની સમયમર્યાદા વધારવાની ચાલી રહેલી ચર્ચાઓને કારણે આ ઉછાળો આવ્યો છે. ભવિષ્યમાં જોખમ લેવાને બદલે લોકો વર્તમાન નિયમો હેઠળ જ પોતાની સ્થિતિ સુરક્ષિત કરી લેવા માંગે છે.

હાલના નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકત્વ મેળવવા માટે અરજદારે ઓછામાં ઓછા પાંચ વર્ષ યુકેમાં વસવાટ કરેલો હોવો જોઈએ અને આ સમયગાળા દરમિયાન તેઓ 450 દિવસથી વધુ સમય માટે દેશની બહાર ગયેલા ન હોવા જોઈએ. હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા રજૂ કરાયેલા નવા પ્રસ્તાવ મુજબ, કાયમી વસવાટ (ILR) મેળવવા માટેની લઘુત્તમ સમયમર્યાદા 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની યોજના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter