બ્રિટિશ નાગરિકતાની પરીક્ષા ટેસ્ટ સેન્ટરને બદલે ઓનલાઇન આપવાની મંજૂરી

સરકારના આ નિર્ણયથી પરીક્ષામાં ગેરરીતિ અને ચોરી થવાની ભીતિ

Tuesday 13th October 2026 12:32 EDT
 
 

લંડનઃ બ્રિટિશ નાગરિકતા મેળવવા ઇચ્છુક ઇમિગ્રન્ટ્સ હવે ટેસ્ટ સેન્ટર પર જવાના બદલે ઓનલાઈન પરીક્ષા આપી શકશે. સરકારના આ નિર્ણયથી પરીક્ષામાં ગેરરીતિ અને ચોરી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હોમ ઓફિસ હાલમાં રૂબરૂ લેવાતી આ પરીક્ષાને ઘરબેઠા આપી શકાય તેવી ડિજિટલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટે 110 મિલિયન પાઉન્ડ નો ખર્ચ કરી રહી છે.

હાલની વ્યવસ્થા મુજબ, નાગરિકતાના અરજદારોએ દેશભરમાં આવેલા 30 પરીક્ષા કેન્દ્રોમાંથી કોઈ એક પર રૂબરૂ હાજર રહેવું પડે છે અને ઓળખ ચકાસણી માટે પાસપોર્ટ અથવા eVisa દસ્તાવેજો રજૂ કરવા પડે છે. ગેરરીતિ રોકવા માટે વસ્ત્રો ઉતરાવીને સુરક્ષા તપાસ કરવામાં આવે છે અને કોઈ છૂપા ગેજેટ્સ કે ચીટીંગ મટીરીયલ નથી તેની ખાતરી કરવામાં આવે છે. આ સિવાય, મિત્રો કે સગા-સંબંધીઓ પ્રવેશ કરી શકતા નથી અને સીસીટીવી તથા માઇક્રોફોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે.

પરંતુ હવે હોમ ઓફિસે આગામી વર્ષથી આ પરીક્ષાને ડિજિટલ-બાય-ડિફોલ્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે અરજદારો ગમે ત્યાંથી સિદ્ધાંતિક રીતે વિદેશમાંથી પણ કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી શકશે.

શૅડો હોમ ઓફિસ મંત્રી બ્લેક સ્ટીફન્સને આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોમ ઓફિસ બ્રિટિશ નાગરિકતાને છેતરપિંડી કરનારાઓ માટે ખુલ્લી મૂકવાનું જોખમ લઈ રહ્યા છે. બીજી તરફ હોમ ઓફિસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે, પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ રોકવા માટે અદ્યતન સુરક્ષા પગલાં લેવામાં આવશે. જો કોઈ ગેરરીતિ કરતા પકડાશે તો તેમની પરીક્ષા રદ કરવામાં આવશે અને ઇમિગ્રેશન અરજી અસ્વીકાર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter