લંડનઃ વિશ્વમાં સૌથી વધુ વિશ્વસનીય અને પ્રામાણિક નાગરિકોની યાદીમાં બ્રિટનનો પ્રથમ ક્રમ હતો અને કોલમ્બિયાના નાગરિકો સૌથી ઓછાં પ્રામાણિક હોવાનું યુનિવર્સિટી ઓફ નોટિંગહામનાં સંશોધનમાં બહાર આવ્યું છે. જો દેશના નેતાઓ ભ્રષ્ટાચારી હોય કે ચૂંટણીમાં ગેરરીતિ આચરતા હોય, કરચોરી અને ઠગાઈનું પ્રમાણ વધુ હોય તો સામાન્યપણે દેશના નાગરિકો પણ તેમને અનુસરે છે, તેમ નેચર જર્નલમાં પ્રકાશિત સંશોધને જણાવ્યું હતું.
પોતાના દેશમાં ભ્રષ્ટાચારના સ્તરથી અજાણ હોય તેવા ૨,૫૦૦ યુવાનોની પ્રામાણિકતા ચકાસવામાં આવી હતી. તેમને ખાનગીમાં પાસા ફેંકવા જણાવાયું હતું અને જેમના પાસામાં વધુ સંખ્યા હોય તેમને રોકડ ઈનામની જાહેરાત પણ કરાઈ હતી. પાસાની સંખ્યા વધુ હોય તેમને સ્વાભાવિક રીતે જ વધુ રકમ મળવાની હતી. જોકે, તેમને ખબર ના પડે તે રીતે તેમના પર નજર રખાઈ હતી.
આ રમતમાં બ્રિટિશ યુવાનો સૌથી પ્રામાણિક જણાયા હતા અને તે પછી સ્વીડન, જર્મની, ઈટાલી અને લિથુઆનિયાના યુવાનો હતા. બીજી તરફ, સૌથી ઓછાં પ્રામાણિક હોવાના ક્રમમાં તાન્ઝાનિયા, ચીન, મોરોક્કો, વિયેતનામ અને કોલમ્બિયાના યુવાનો હતા.
યુનિવર્સિટી ઓફ નોટિંગહામનાં સાયકોલોજી અને ઈકોનોમિક ડિસિઝન મેકિંગના પ્રોફેસર સાઈમન ગાચ્ટરે જણાવ્યું હતું કે,‘ પ્રામાણિકતા સહિતના નૈતિક મૂલ્યો પ્રતિષ્ઠિત લોકો, ઉમરાવો અને પેરન્ટ્સ પાસેથી મળે છે.’


