લંડનઃ ટોરી સરકારે સોશિયલ કેરની વ્યવસ્થા માટે આગામી એપ્રિલ મહિનાથી નેશનલ ઈન્સ્યુરન્સ (NI) પેમેન્ટ્સમાં ૧.૨૫ ટકાનો ટેક્સવધારો કર્યા પછી કાઉન્સિલ ટેક્સ બિલ્સનો વધારો પણ બ્રિટિશ નાગરિકોને સતાવશે. બ્રિટિશ પરિવારોએ ૨૫૦ પાઉન્ડની વધારાની રકમ કાઉન્સિલ ટેક્સમાં ચૂકવવી પડશે.
લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે પુખ્ત વયના લોકો માટે સોશિયલ કેરમાં ફંડમાં જે ખાઈ છે તેને પૂરવા માટે ફૂગાવાની વૃદ્ધિની ઉપરની રકમ ટેક્સ તરીકે દાખલ કરવા સિવાયના વિકલ્પો ટાઉન હોલ્સ પાસે રહ્યા નથી. લોકલ ગવર્મેન્ટ એસોસિયેશનના અંદાજો અનુસાર આગામી ત્રણ વર્ષમાં ફંડની ખાઈ વધીને ૨.૭ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી જશે. NIમાં ૧.૨૫ ટકાના વધારાના પ્રથમ ત્રણ વર્ષમાં એકત્ર થનારા ૩૬ બિલિયન પાઉન્ડના ફંડમાંથી માત્ર ૫.૪ બિલિયન પાઉન્ડ જ કેર સેક્ટરને સુધારવા પાછળ ખર્ચાશે. સરકાર દ્વારા પ્રસિદ્ધ સોશિયલ કેર પ્લાન્સમાં ખર્ચાના દબાણને પહોંચી વળવા કાઉન્સિલ ટેક્સનો આશરો લેવાશે.
એનાલિસિસ કહે છે કે સરેરાશ Band D ઘર માટે આગામી ત્રણ વર્ષ માટે કુલ ૨૬૧ પાઉન્ડ કાઉન્સિલ ટેક્સ ઉમેરાશે જેના પરિણામે, ૨૦૨૪/૨૫ સુધી વાર્ષિક બિલ વધીને ૨,૧૫૯ પાઉન્ડ થઈ જશે. લેબરનેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે સોશિયલ કેર મુદ્દે કન્ઝર્વેટિવ્ઝની નિષ્ફળતાના પરિણામે વર્કિંગ પીપલ અને પરિવારોએ ટેક્સમાં વધારાનો સામનો કરવો પડશે. હવે તેઓ કાઉન્સિલ ટેક્સના વધારાના ભારણ નીચે પણ કચડાઈ જશે. બીજી તરફ, સરકારે ૨૦૧૯ના ચૂંટણી ઘોષણાપત્રમાં આપેલા વચનનો ભંગ કરી નેશનલ ઈન્સ્યુરન્સ ચૂકવણીમાં વધારો કર્યાથી ટોરી સાંસદોમાં પણ કચવાટ ફેલાયો છે.

