લંડનઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન મિનિસ્ટર ફોર વિમેન એન્ડ ઇક્વાલિટિઝ બ્રિજિટ ફિલિપસને બ્રિટિશ નાગરિકોને વધુ બાળકો પેદા કરવાનું આહવાન કર્યું છે. બ્રિટનમાં ઘટતા જતા જન્મદરની ચિંતાજનક વિપરિત અસરો વર્ણવતા સરકારી નીતિની વિરુદ્ધ જતાં એજ્યુકેશન સેક્રેટરીએ જણાવ્યું હતું કે, હાઉસિંગ અને ચાઇલ્ડ કેરની ઊંચી કિંમતોના કારણે ઘણા યુવાઓ પરિવાર શરૂ કરવા તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે, મારી ચાઇલ્ડકેર યોજનાઓ લોકોને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરશે. હું ઇચ્છું છું કે યુવાઓ બાળકો પેદા કરે.
ઘણા યુરોપિયન દેશો તેમના નાગરિકોને તેમના અર્થતંત્રની વૃદ્ધિ માટે વધુ બાળકો પેદા કરવા આહવાન કરી રહ્યાં છે પરંતુ ગયા વર્ષે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું લોકોને કહી શકું નહીં કે તેમણે કેટલાં બાળક પેદા કરવા જોઇએ.
બ્રિટનમાં વસતી સ્થિર રાખવા માટે પ્રતિ મહિલા 2.1 બાળક હોવાં જરૂરી છે પરંતુ હાલમાં જન્મદર ઘટીને 1.49 બાળક પ્રતિ મહિલા પર આવી ગયો છે.
ફિલિપસને જણાવ્યું હતું કે, લેબર સરકાર પ્રારંભથી જ પારિવારિક મામલામાં સહાય કરવામાં માને છે. શરૂઆતના વર્ષોની સિસ્ટમમાં સુધારા મારી પહેલી પ્રાથમિકતા છે. સરકાર સમગ્ર યુકેમાં ખાલી પડેલા ક્લાસરૂમોમાં ચાઇલ્ડ કેર શરૂ કરવાની યોજના ધરાવે છે. સપ્ટેમ્બર સુધીમાં નવા 4000 સ્કૂલ બેઝ્ડ ચાઇલ્ડ કેર સ્થળો શરૂ કરાશે. આગામી બે મહિનામાં 200 શાળાઓમાં ચાઇલ્ડ કેરના નવા રૂમ શરૂ કરાશે.