લંડનઃ યુકેની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO) દ્વારા બ્રિટિશ નાગરિકોને પ્રવાસ અતિ આવશ્યક હોય તે સિવાય શ્રીલંકા નહિ જવાની સલાહ આપી છે. શ્રીલંકામાં ૨૧ એપ્રિલ, ઈસ્ટર સન્ડેના દિવસે બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયાં હતાં. FCO માને છે કે ત્રાસવાદીઓ દ્વારા હજુ વધુ હુમલા થવાની શક્યતા છે. આ હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી છે. આ હુમલામાં આઠ બ્રિટિશ નાગરિકના મોત નીપજ્યાં છે.
શ્રીલંકા બોમ્બ વિસ્ફોટો પછી તરત જ FCO દ્વારા બ્રિટિશ નાગરિકોને શ્રીલંકામાં વધુ સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવાં સ્થળોએ જવાનું ટાળવાં સલાહ આપી હતી. જોકે, આ પછી ૨૫ એપ્રિલ ગુરુવારે સલાહમાં સુધારો કરી વધુ હુમલાની શક્યતાની ચેતવણી આપવામાં આવી હતી.
ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા જણાવાયું હતું કે,‘ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આવશ્યક ન હોય તો શ્રીલંકાની મુલાકાત ટાળવાની સલાહ આપવામાં આવે છે. ત્રાસવાદીઓ શ્રીલંકામાં હુમલાઓનો પ્રયાસ કરે તેવી શક્યતાઓ છે. આ હુમલાઓ વિદેશી દ્વારા મુલાકાતો લેવાતી હોય તે સહિત કોઈ પણ સ્થળે થઈ શકે છે.’ ફોરેન ઓફિસે કહ્યું હતું કે આ સલાહ નવી ગુપ્તચર માહિતીનાં કારણે નહિ પરંતુ, સાવચેતીના કારણોસર અપાઈ છે.
એ માહિતી પણ બહાર આવી છે કે એક હુમલાખોર અબ્દુલ લતીફ જમીલ મોહમ્મદે ૨૦૦૬-૦૭ દરમિયાન સાઉથ-વેસ્ટ લંડનમાં કિંગ્સ્ટન યુનિવર્સિટી ખાતે એરોસ્પેસ એન્જિનીઅરીંગનો અભ્યાસ કર્યો હતો. બ્રિટન છોડ્યા પછી તેણે ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું, જે દરમિયાન તેની વિચારધારા કટ્ટરવાદી બની હોવાનું તેની બહેન સામસુલ હિદાયાએ જણાવ્યું હતું.