બ્રિટિશ નેશનલ લોટરી હવે ઝેક બિલિયોનેરની કંપની ચલાવશે

Wednesday 23rd March 2022 06:41 EDT
 
 

લંડનઃ પ્રતિબંધિત રશિયન એનર્જી જાયન્ટ ગાઝપ્રોમ સાથે ધંધાકીય સંપર્ક ધરાવતા 53 વર્ષીય ઝેક બિલિયોનેર કારેલ કોમારેકની કંપની ઓલ્વીન એન્ટરટેઈન્મેન્ટને બ્રિટનની નેશનલ લોટરી ચલાવવાનો કોન્ટ્રાક્ટ સુપરત કરાયો છે. યુકેના ગેમ્બલિંગ કમિશને વર્તમાન લોટરી ઓપરેટર કેમલોટ - Camelot પાસેથી લાયસન્સ ખૂંચવી લઈ આ કામગીરી 2024થી નવા બિડર ઓલ્વીનને સોંપી છે.

નેશનલ લોટરી 1994માં લોન્ચ કરાઈ ત્યારથી તેનું સંચાલન કેમલોટ હસ્તક હતું. કેમલોટના ચીફ એક્ઝિક્યુટિવ નાઈજેલ રેઈલટને આગામી પગલાં વિચારાતા હોવાનું જણાવ્યું હતું. બિડિંગ પ્રોસેસ ગુપ્ત હોવાથી ઓલ્વીને લોટરીના ખેલાડીઓ અને વેચાણકારો માટેના ફેરફારો હજુ જાહેર કર્યાં નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે કંપનીએ ૧૦ વર્ષના ગાળામાં 38 બિલિયન પાઉન્ડ ચેરિટીના ઉદ્દેશો માટે આપવાનું તેમજ ટિકિટની કિંમત અડધી કરીને 1 પાઉન્ડ અને દરેક રાત્રે બે ડ્રો કરવાની બાંયધરી આપી છે. સ્ક્રેચકાર્ડના બદલે ગિફ્ટકાર્ડ્સને પ્રમોટ કરતી ઓલ્વીન યુરોપની ઓનલાઈન સેલ્સ કંપની છે તેમજ પ્રોબ્લેમ ગેમ્બલિંગ અટકાવવા અને આગાહી કરવા અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે. આ કંપની ઓસ્ટ્રીયા, ઈટાલી અને ગ્રીસમાં પણ લોટરીઝ ચલાવતી હોવાના કારણે, ગેમ્બલિંગ કમિશને તેને પસંદ કરી હોવાનું કહેવાય છે.

બિલિયોનેર કારેલ કોમારેકે પાઈપ્સ અને વાલ્વ્સના વેચાણથી શરૂઆત કરી હતી અને મોટા ભાગની સંપત્તિ ઓઈલ અને ગેસમાંથી ઉભી કરી છે પરંતુ, યુક્રેન યુદ્ધના કારણે તેઓ રશિયાથી અંતર જાળવી રહ્યા છે. તેમણે ખુલ્લા પત્રમાં રશિયાના જંગલી આક્રમણને વખોડ્યું પણ છે. જોકે, તેમની કંપની ઝેક રિપબ્લિકમાં રશિયન ગાઝપ્રોમની ગેસ સ્ટોરેજ ફેસિલિટી સાથે માલિકીમાં સહભાગી છે. જોકે, ગેસ ફેસિલિટી પર ગાઝપ્રોમની સંપૂર્ણ માલિકી ન રહે તે માટે ઝેક સરકારની વિનંતીથી સહમાલિકી યથાવત હોવાનું કોમારેકનું કહેવું છે. સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા કોમારેકની સંપત્તિ 7.7 બિલિયન પાઉન્ડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter