લંડનઃ શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવીને ૨૪ વર્ષનો પોલ મેક્કલીન બ્રિટનના અખબારમાં નોકરીએ જોડાયો હતો. વેકેશન માણવા મિત્રો સાથે શ્રીલંકા આવેલો પોલ કોલંબો પાસે નદીનાં કાંઠે હાથ ધોઈ રહ્યો હતો ત્યારે અચાનક મગરે તેને પાણીમાં ખેંચી લીધો હતો. લોકોએ બોલાવેલા તરવૈયાઓ પોલને બચાવી શકે તે પહેલા તે ઊંડા પાણીમાં ગૂમ થઈ ચૂક્યો હતો. કલાકોની શોધખોળ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાઈનાન્સિયલ ટાઈમ્સ અખબારે પોલના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો.