લંડનઃ દેશના વૃદ્ધોની કાળજી લઇ શકાય તે માટે ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે બ્રિટિશ પરિવારોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે ઓછી કુશળતા ધરાવતા વિદેશી કામદારોને યુકે આવવા પ્રોત્સાહિત કરતી અગાઉની બોરિસ જ્હોન્સન સરકારની નીતિની ટીકા કરી હતી.
ઇમિગ્રેશન મિનિસ્ટરે જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ વર્કરને જારી થતા કેર વિઝા પર કાપ મૂકાવો જોઇએ. તેથી દેશમાં વૃદ્ધોની કાળજી લઇ શકાય તે માટે સરકારે પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.
કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ ખાતે સવાલ કરાયો હતો કે આપણે કેવી રીતે પરિવારોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપી શકીએ. તેના જવાબમાં જેનરિકે જણાવ્યું હતું કે, હું પરિવારો અંગેના આ મુદ્દે સંમત છું. આપણે બ્રિટિશ પરિવારોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપવાની જરૂર છે. વડાપ્રધાન સુનાક પણ ચાઇલ્ડ કેરને મહત્વ આપી રહ્યાં છે. આપણને વધુ મકાનોની જરૂર છે જેથી યુવાઓ સેટલ થઇને પારિવારિક જિંદગી જીવી શકે. મકાન ન હોવાના કારણે ઘણા લોકો પારિવારિક જીવન મોડું શરૂ કરે છે અને ઓછા સંતાન પેદા કરે છે.


