લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચીની મહિલા જાસૂસના પગપેસારાના આક્ષેપથી દેશભરમાં સનસનાટી વ્યાપી ગઇ છે. વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતા અને સાંસદ ઈયાન ડંકન સ્મિથે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય હોવાનો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે બ્રિટિશ જાસૂસી એજન્સીઓ તેનાથી બચવાની ચેતવણી આપી છે.
તેમણે ચીની મૂળની વકીલ ક્રિસ્ટીન લી ઘણાં બ્રિટિશ સાંસદોના સંપર્કમાં હોવાની રજૂઆત કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ સમક્ષ કરી હતી. ચીન પોતાના હિતોની રખવાળી માટે ક્રિસ્ટિનનો ઉપયોગ કરી રહ્યું છે.
મહિનાઓની સંભવિત સુરક્ષાભંગ તપાસ પછી બ્રિટિશ જાસૂસી એજન્સી MI5એ કોમન્સના સ્પીકર સર હોયલને સાવધાન કર્યા પછી સ્પીકરે તમામ સાંસદોને પત્ર લખી ચેતવણી આપી છે કે સાંસદોને હજારો પાઉન્ડનું ડોનેશન આપનારી ફર્મના સોલિસિટર ક્રિસ્ટિન લી ચીન સરકાર વતી કામ કરી રહ્યાનો અંદેશો છે. સ્પીકરે એમ પણ લખ્યું છે કે લીએ હોન્ગ કોંગ અને ચીનમાં રહેલા વિદેશી નાગરિકો વતી સેવારત અને ભાવિ સાંસદોને નાણાકીય ડોનેશન્સ પૂરા પાડ્યા હોવાની હકીકતો તરફ ધ્યાન દોરવું જરૂરી છે.
ક્રિસ્ટિન લી પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીનના ફ્રન્ટબેન્ચના સભ્ય બેરી ગાર્ડિનેરના ગાઢ સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. જો લેબર પાર્ટીનો ગત ચૂંટણીમાં વિજય થયો હોત તો ગાર્ડિનેરનો કેબિનેટમાં સમાવેશ કરાયો હોત. શકમંદ જાસૂસે પોતાના પુત્ર સહિત ગાર્ડિનેરના બે સહાયકોનું વેતન પણ ચૂકવ્યું હતું. ગાર્ડિનરે આ સંદર્ભે જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષથી લી બાબતે સિક્યુરિટી સર્વિસીસ સાથે સંપર્કમાં છે અને લીના પુત્રે તેમની ઓફિસમાંથી રાજીનામું આપી દીધું છે.
ચીનના પ્રખર ટીકાકારની છબી ધરાવતા ટોરી સાંસદ ઈયાન ડંકન સ્મિથે પાર્લામેન્ટમાં ઉઈઘુર મુસ્લિમોના મુદ્દે રજૂઆત કરતા હોવાથી ચીને તેમના પર પ્રતિબંધ મૂકવાની તજવીજ પણ હાથ ધરી હતી.
ગયા વર્ષે MI5એ રશિયા, ચીન અને ઈરાન તરફથી જાસૂસીના જોખમને ત્રાસવાદના જોખમ સમાન જ ગણાવી લોકોને સાવધ રહેવા જમાવ્યું હતું. બ્રિટિશ જાસૂસોનું કહેવું છે કે ચીન અને રશિયા વેપારી સંવેદનશીલ ડેટા અને બૌદ્ધિક સંપદા ચોરવાની સાથોસાથ ઘરેલુ રાજકારણમાં હસ્તક્ષેપ અને ગેરમાહિતી પ્રસરાવવા માગે છે.


