લંડનઃ યુકે પરત ફરતા બ્રિટિશ નાગરિકોને ઈ-ગેટ્સ પર હવે પોતાનો પાસપોર્ટ દર્શાવવાની જરૂર નહીં રહે, કારણ કે નવી ફેસિયલ રેકોગ્નિશન ટેકનોલોજી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, ચેક-ઈન કરવા અને ફ્લાઈટમાં બોર્ડિંગ માટે મુસાફરોએ હજુ પણ પાસપોર્ટ સાથે રાખવો પડશે. એરપોર્ટ પર લાંબી લાઈનો અને વિલંબને ઘટાડવાના ઉદ્દેશ્યથી આગામી સપ્તાહોમાં બર્મિંગહામ અને ઈસ્ટ મિડલેન્ડ્સ એરપોર્ટ પર નવી કોન્ટેક્ટલેસ બોર્ડર્સ સિસ્ટમ શરૂ થવાની ધારણા છે.
આવતા વર્ષની શરૂઆત સુધીમાં લંડન હીથ્રો, ગેટવિક, માન્ચેસ્ટર, એડિનબરો અને સ્ટેનસ્ટેડ સહિત દેશના તમામ મુખ્ય એરપોર્ટ્સ પર કાર્યરત ઈ-ગેટ્સમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ પ્રણાલી બ્રિટિશ પાસપોર્ટધારકો માટે જ અમલમાં મુકાય તેવી શક્યતા છે પરંતુ બાદમાં બાયોમેટ્રિક પાસપોર્ટ ધરાવતા અને ઈ-ગેટ્સ વાપરવા માટે પાત્રતા ધરાવતા અન્ય દેશોના નાગરિકો માટે પણ તેનો વિસ્તાર થઈ શકે છે.


