લંડનઃ લોકો જ્યારે બચતો પર જીવવાનું શરૂ કરે ત્યારે તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. બ્રિટનમાં પેન્શનરોની આવકમાં ભારે ઘટાડો નોંધાય છે. વિશ્વમાં બ્રિટિશ પેન્શનરો કામ કરતા હોય ત્યારે મળતી આવકના ૪૦ ટકાથી ઓછી આવક સરકારી યોજનાઓ મારફત મેળવે છે. નેધરલેન્ડ્સના પેન્શનરો મૂળ આવકના ૯૫ ટકા જેટલી આવક આ રીતે મેળવે છે. બ્રિટિશરોની સરખામણીએ મેક્સિકન અને ચિલિઅન પેન્શનરોને અનુક્રમે વૃદ્ધાવસ્થામાં ૨૮ ટકા અને ૩૮ ટકાથી ઓછી આવક મળે છે. OECDના મુખ્ય ૩૪ અર્થતંત્રોમાં વૃદ્ધાવસ્થામાં મૂળ આવકના સરેરાશ ૬૩ ટકા આવક મળે છે.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અભ્યાસ અનુસાર યુકેમાં સરેરાશ બચતકાર નિવૃત્ત થાય ત્યારે કામ કરતી વખતે મળતી આવકના ૩૮ ટકા જેટલી રકમ સરકાર તરફથી મળવાની ધારણા રહે છે. વિશ્વભરમાં કામના પગાર અને નિવૃત્તિકાળે મળતી રકમમાં બ્રિટિશ પેન્શનરો સૌથી મોટી ખાઈ અનુભવે છે. આના પગલે થિન્ક ટેન્ક દ્વારા સૂચન કરાયું છે કે દરેક વર્કરને પેન્શન માટે રકમ જમા કરાવવાની ફરજ પાડવી જોઈએ.
અન્ય મુખ્ય અર્થતંત્રોમાં બચતકારોને સરકાર તરફથી વધુ રકમો મળે છે અથવા તેમને પેન્શન માટે ફાળો આપવાનું ફરજિયાત કરાય છે. આ નીતિના પરિણામે નેધરલેન્ડ્સ અને ડેન્માર્કના સરેરાશ પેન્શનરોને અનુક્રમે ૯૬ અને ૬૬ ટકા જેટલી ઊંચી આવક વૃદ્ધાવસ્થામાં પણ મળે છે.
સંસ્થાના ડેપ્યુટી ડિરેક્ટર માર્ક પિઅરસને જણાવ્યું હતું કે પેન્શનરોની પાછલી જિંદગીમાં ગરીબી ન અનુભવાય તે માટે ફરજિયાત બચતની કોઈ પદ્ધતિ હોવી જોઈએ. બ્રિટિશ પેન્શનરો હાલ સ્વૈચ્છિક બચત પર જ આધાર રાખે છે. સરકારી સહાયમાં ખાનગી પેન્શન ઉમેરાય તો પેન્શનરોની આવક સરેરાશ વેતનના બે તૃતીઆંશ નજીક પહોંચે છે.