લંડનઃ સમગ્ર યુરોપમાં ત્રાસવાદી હુમલાઓ થઈ રહ્યાં છે તેને નજરમાં રાખી બ્રિટનમાં હવે સશસ્ત્ર પોલીસ ફોર્સ રાખવા ગંભીર વિચારણા થઈ રહી છે. સ્કોટલેન્ડ યાર્ડમાં કરાઈ રહેલા એક સર્વેમાં પોલીસ અધિકારીઓને તેઓ ગન રાખવા માગે છે કે કેમ તેવો પ્રશ્ન કરાયો છે. જો પોલીસને શસ્ત્રસજ્જ બનવાનું આવે તો નોકરી છોડવાની સંભાવના કેટલી તેની પણ ચકાસણી કરાઈ રહી છે.
ધ મેટ્રોપોલિટન પોલીસ ફેડરેશન દ્વારા સર્વેમાં લંડનમાં તેમના ૩૨,૦૦૦ ઓફિસર્સને ગન અથવા ટેસર રાખવાની તેમની ઈચ્છા વિશે પ્રશ્નો કરાયા છે. આ સર્વે જાન્યુઆરીના અંત સુધી ચાલશે. પ્રજાને સંભવિત ત્રાસવાદી હુમલાઓથી રક્ષણ આપવામાં મદદ મળે તે હેતુથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સશસ્ત્ર પોલીસ અધિકારીની સંખ્યામાં ૧,૫૦૦નો વધારો કરાઈ રહ્યો છે. ગયા વર્ષે સ્કોટલેન્ડ યાર્ડે રાજધાની લંડનમાં સશસ્ત્ર પોલીસની સંખ્યામાં ૬૦૦ના વધારા કુલ સંખ્યા ૩,૦૦૦ કરવાની યોજના જાહેર કરી હતી. જોકે, સશસ્ત્ર પોલીસ અધિકારીની ભરતીમાં મોટી મુશ્કેલી એ છે કે ફરજ દરમિયાન શસ્ત્રનો ઉપયોગ કરવાની ફરજ પડે તો વર્ષો સુધી તપાસ હેઠળ રહેવું પડે તેવો ભય ઓફિસરોને સતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુએસ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ સહિતના દેશોમાં સશસ્ત્ર પોલીસ છે, જ્યારે નોર્વે, આયર્લેન્ડ, આઈસલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ તેમજ ગ્રેટ બ્રિટનમાં મોટા ભાગના પોલીસ અધિકારીઓ શસ્ત્ર રાખતા નથી.


