બ્રિટિશ પ્રવાસીઓ માટે જિબ્રાલ્ટર સરહદે સ્પેનના કડક નિયંત્રણો

Wednesday 04th May 2022 02:26 EDT
 

લંડનઃ સ્પેનના ઇમિગ્રેશન અધિકારીઓએ બ્રિટિશરો સહિત બિન-ઈયુ પ્રવાસીઓ માટે જિબ્રાલ્ટર સરહદે નિયંત્રણોને કડક કરી દીધાં છે. સ્પેનમાં પ્રવેશની પરવાનગી મળે તે પહેલાં પ્રવાસીઓએ પોતાના પ્રવાસ તથા રહેઠાણની આગોતરી વ્યવસ્થાના તથા પોતાની આર્થિક સ્થિતિ અંગના પુરાવા રજૂ કરવાના રહેશે. જિબ્રાલ્ટરના સત્તાવાળાએ સ્પેનિશ બોર્ડર અધિકારીઓ દ્વારા વલણમાં ફેરફાર મુદ્દે ચિંતા દર્શાવી છે જ્યારે, કેટલાક બિન-ઈયુ પ્રવાસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમને પ્રવેશ પહેલા જ નાણાકીય સ્થિતિ પુરવાર કરવા જણાવાયું હતું.

જિબ્રાલ્ટરના ચીફ મિનિસ્ટર ફેબિયાન પિકાર્ડોએ નિવેદનમાં જણાવ્યું છે કે, સ્પેનમાં પ્રવેશી જતા લોકો માટે કેટલાંક ધારાધોરણો નિશ્ચિત કરવા સરહદ ઉપર કડકાઈ દર્શાવાતી હોવાના અહેવાલોની મને જાણ છે. તેમણે નિવેદનમાં નોંધ્યું છે કે,સરહદ ઓળંગીને સ્પેનમાં પ્રવેશતા બિન-જિબ્રાલ્ટરિયનો અર્થાત ત્રીજા વિશ્વના લોકોમાચે વલણમાં ફેરફારના રિપોર્ટ્સ મળ્યા છે અને આ મુદ્દે યુકે અને સ્પેનિશ સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

બ્રેક્ઝિટ પછીના ગાળામાં યુકેના લોકોને સ્પેન સહિતના શેન્જેન એરિયામાં પ્રવેશ માટે કડક નિયમોમાંથી પસાર થવું પડે છે પરંતુ, બંને દેશો સરહદ પરના અંકુશોના કરાર બાબતે વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે જિબ્રાલ્ટરમાંથી આવતા લોકો માટે આ નિયમોનો અમલ મુલતવી રખાયો છે. સ્પેનમાં રહેઠાણનો અધિકાર ધરાવતા ત્રીજા દેશોના નાગરિકો તેમજ જિબ્રાલ્ટર સિવિલિયન રજિસ્ટ્રેશન કાર્ડ ધરાવતા લોકોએ અત્યાર સુધી સરહદ ઉપર આવી વધારાની ચકાસણીમાંથી પસાર થવું પડતું ન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter