લંડનઃ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા યુકે ફેમિલી કોર્ટના આદેશનો અમલ કરવાનો ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, બ્રિટિશ કોર્ટના આદેશમાં વપરાયેલી ભાષા કોલોનિયલ માનસિકતા દર્શાવે છે, જે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા પર થોપી શકાય નહીં.
જસ્ટિસ ચીકાતી માનવેન્દ્રનાથ રોય અને જસ્ટિસ તુહીન કુમાર ગેડેલાની ખંડપીઠે ઈંગ્લેન્ડ સ્થિત પિતાને સગીર પુત્રીની કસ્ટડી સોંપવાની અરજી ફગાવી દીધી હતી અને બાળકીને તેની માતા સાથે ભારતમાં જ રહેવાની મંજૂરી આપી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ન્યાયતંત્રમાં બ્રિટિશ શાસનના વારસાને પુનર્જીવિત કરવાની મંજૂરી આપી શકાય નહીં.
અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોટી થઈ રહેલી બાળકીની જૈવિક અને ભાવનાત્મક જરૂરિયાતો વિદેશમાં એકલા રહેતા પિતા દ્વારા યોગ્ય રીતે પૂરી કરી શકાય નહીં. બાળકીના સર્વાંગી વિકાસ માટે માતાનો સાથ અને ભારતીય વાતાવરણ વધુ સુરક્ષિત છે.


