બ્રિટિશ બહેનનો દાવોઃ એલિયન્સ ૫૦ વખત મારું અપહરણ કરી ચૂક્યા છે

Friday 14th May 2021 05:48 EDT
 
 

લંડનઃ બ્રહ્માંડમાં એલિયન્સનું અસ્તિત્વ છે કે તે મુદ્દાથી માંડીને તેઓ અવારનવાર પૃથ્વીની મુલાકાતે આવતા રહે છે તેવા દાવા તો અવારનવાર થતા રહ્યા છે, પરંતુ લંડનની ૫૦ વર્ષની મહિલા પાઉલા સ્મિથે એલિયન્સ અંગે નવો જ દાવો કરીને હલચલ મચાવી છે. પાઉલાનો દાવો છે કે એલિયન્સ યુએફઓમાં બેસાડીને તેનું ૫૦ વખત અપહરણ કરી ચૂક્યા છે. તેણે આ વાતના કેટલાય પુરાવા પણ આપ્યા છે. બ્રેડફર્ડની રહીશ પાઉલાનું કહેવું છે કે એલિયન્સ સાથે તેનો પહેલો સામનો ૧૯૮૨માં થયો હતો. તે બાળકી હતી ત્યારે તેનું પહેલી વખત અપહરણ થયું હતું. તેણે પોતાના શરીર પર કેટલાક નિશાન પણ દેખાડીને દાવો છે કે એક વખત તેના અપહરણ સમયે એલિયન્સે આ નિશાન કર્યું હતું. તેણે એક કાગળ પર ચિત્ર દોરીને એલિયન્સ કેવા દેખાય છે તે પણ દર્શાવ્યું હતું.
પાઉલાના પરિવારજનોનું કહેવું છે કે તે અચાનક જ ૪-૫ કલાક માટે ઘરેથી ગાયબ થઇ જાય છે. પાઉલાના કહેવા પ્રમાણે તે આ ૪-૫ કલાક દરમિયાન એલિયન્સ સાથે યુએફઓમાં હોય છે. એલિયન તેને કંઇક અજબ પ્રકારની દવા દે છે. પાઉલા કહે છે કે એ તો આ દવા લેવા ઇચ્છતી નથી હોતી, પણ તે ભાગી શકતી નથી. આ દવાથી તે બહુ જ નબળાઇ અનુભવે છે.
ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતી પાઉલા કહે છે કે એલિયન તેને સમુદ્ર અને આસમાનનો રંગ બદલતો દેખાડે છે. તે કહે છે કે મેં અત્યાર સુધીમાં બાવન પરગ્રહી ઘટનાઓનો અનુભવ કર્યો છે. ક્યારેય કોઇ આગોતરી ચેતવણી મળી નથી. આ બધું અચાનક જ બનવા લાગ્યું. મેં આ બધું સામાન્ય ગણ્યું, નહીં તો ગાંડી થઇ ગઇ હોત. મને યુએફઓની અંદર લઇ જવાતી હતી. એલિયન્સે મને એવી એવી ટેક્નિક દેખાડી છે, જે આપણે જાણતા પણ નથી. એલિયન્સે મને એક સ્લાઇડ શો દેખાડ્યો હતો, જે એક ફિલ્મ જેવો હતો. તેમાં દર્શાવાયું હતું માણસની લાલચે પૃથ્વીને ખતમ કરી નાંખી છે.

પાઉલાના આ બધા દાવાઓ અંગે કેટલાય લોકોનું કહેવું છે કે તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે, પરંતુ પાઉલા તેના દાવા અંગે અડગ છે. તેનું કહેવું છે કે એવા કેટલાય લોકો હશે, જેઓ એલિયન્સને મળી ચૂક્યા હશે. આવા લોકોએ આગળ આવીને પોતાની વાત કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter