લંડનઃ એક પેરન્ટ તરીકે તમને એમ લાગતું હોય કે બાળકો ઘરમાં મદદ કરવાનું ટાળે છે તો તમે જરા પણ ખોટા નથી. બ્રિટિશ બાળકો ઘરકામમાં મદદ અને ઘરમાં અભ્યાસના મામલે વિશ્વમાં સૌથી ખરાબ હાલતમાં સ્થાન ધરાવતાં હોવાનું એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં બહાર આવ્યું છે. ઘણી વખત બાળકોને સમજાવવા કે મનાવવા માટેની દલીલો પણ કામ કરતી નથી.
જો પેરન્ટ્સને દુઃખી થવાનું કારણ હોય તો શિક્ષકો માટે પણ કારણ છે. અભ્યાસના તારણો જણાવે છે કે બ્રિટિશ પ્રાઈમરી સ્કૂલના બાળકો સર્વે હેઠળના અન્ય કોઈ દેશના બાળકોની સરખામણીએ શાળાના હોમવર્કમાં સૌથી ઓછો સમય આપે છે. વિશ્વ પ્રત્યે બાળકોનું વલણ તપાસવા ૧૬ દેશના આઠ વર્ષના ૧૭,૦૦૦ બાળકોને તેમના દૈનિક જીવન અંગે પ્રશ્નો પૂછાયા હતા. બાળકોને તેમના પરિવાર, ઘરેલુ જીવન, મિત્રો, નાણા- માલિકીની વસ્તુઓ, શાળાજીવન, સ્થાનિક વિસ્તાર, તેમના સમયનો ઉપયોગ, અંગત સ્વાસ્થ્ય અને સમગ્રતયા આનંદ વિશે પ્રશ્નો કરાયા હતા.
બ્રિટન, સ્પેન, જર્મની અને ઈઝરાયલના સમાજવિજ્ઞાનીઓ વચ્ચે સહકારના ચિલ્ડ્રન્સ વર્લ્ડ અભ્યાસમાં ઈંગ્લેન્ડના ૧,૦૦૦ બાળકોએ યુકે માટે ભાગ લીધો હતો. જીવનમાં સંતોષના મુદ્દે બ્રિટિશ બાળકો ૧૬માંથી ૧૩મા સ્થાને રહ્યાં હતાં. રોમાનિયા, પોલેન્ડ અને અલ્જિરિયાના બાળકો તેમનાથી આગળ હતા, જ્યારે સાઉથ કોરિયા, નેપાળ અને ઈથિઓપિયાના બાળકો પાછળ હતા. અંગત મિત્રતાના સંતોષ ક્ષેત્રે તેમનો ક્રમ ૧૧મો અને પારિવારિક જીવન અંગે ૧૨મો હતો. બ્રિટિશ બાળકો પોતાના દેખાવ અને શારીરિક છબીથી સૌથી વધુ દુઃખી હતા. જોકે, સાઉથ કોરિયા અને નેપાળના બાળકો તેમનાથી વધુ દુઃખી હતા. ઘરના કામમાં મદદ કરવાના મામલે ૪૭ ટકા બ્રિટિશ બાળકોએ રોજ અથવા લગભગ રોજ મદદ કરતા હોવાનું કહ્યું હતું. જોકે, રોમાનિયાના ૭૦ ટકા, અલ્જિરિયાના ૬૯ ટકા અને પોલેન્ડના ૬૮ ટકા બાળકોએ ઘરકામમાં મદદ કરતા હોવાનું કહ્યું હતું.


