લંડનઃ ઓસ્કાર વિનિંગ લેખક અને એડલ્ટ લિટરસી ટ્રસ્ટના પેટ્રન લોર્ડ ફેલોસે જણાવ્યું છે કે બ્રિટિશ બાળકોની સાક્ષરતા સુધારવા માટે ભારત જેવા ગોખણપટ્ટી ભણતરને અપનાવવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં બ્રિટનમાં દાખલ કરાયેલી શિક્ષણ નીતિઓએ બ્રિટિશ બાળકો સાથે દગો કર્યો છે. લોર્ડ ફેલોસે જણાવ્યું હતું કે, હું કવિતાના શિક્ષણમાં ગોખણપટ્ટીની સંપુર્ણપણે તરફેણ કરું છું. હું હાલમાં વિસરાઇ ગયેલ લર્નિંગ ડેટ્સની પણ તરફેણ કરું છું.
તેમણે જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં અચાનક જ એમ કહેવામાં આવ્યું હતું કે, જો બાળક શીખવા ઇચ્છતું હશે તો તે બુક ટેબલને અનુસરશે પરંતુ તે ન ઇચ્છે ત્યાં સુધી તેના પર દબાણ કરવું જોઇએ નહીં, તેમના પર ગોખણપટ્ટી દ્વારા શીખવાનું દબાણ કરવું જોઇએ નહીં. તેના કારણે આ આખી પદ્ધતિ જ નાબૂદ થઇ ગઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી વિદ્યાર્થીઓને આ કારણે કોઇ તકલીફ થઇ નહોતી કારણ કે તેઓ ઘેર જઇને પુસ્તકોનું અધ્યયન કરતાં પરંતુ નવી ફિલોસોફીના કારણે એવરેજ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું હતું.
લોર્ડ ફેલોસે બીબીસી રેડિયોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતીય બાળકો તેમની શાળાઓમાં અપાતાં શિક્ષણમાં ઘણા આગળ છે કારણ કે તેમને ગોખણપટ્ટીની આદત પડેલી છે. ઇંગ્લિશ બાળકની સરખામણીમાં વાંચનની આદત પાડવામાં ભારતીય બાળકો 3 થી 4 વર્ષ આગળ હોય છે. તેથી ગોખણપટ્ટી એક સારો વિચાર છે પરંતુ તે માટે પહેલાં તમારે તમારી ફિલોસોફી બદલવી પડશે.


