લંડનઃ યુનિવર્સિટી ઓફ યોર્કના ૧૦ વર્ષના સંશોધન અનુસાર ૧૫ દેશોમાં જિંદગી પ્રત્યે સંતોષની લાગણીની યાદીમાં બ્રિટિશ બાળકો ૧૪મા ક્રમે મૂકાયા છે. સંશોધનમાં ૫૩,૦૦૦ બાળકોને આવરી લેવાયા હતાં. બ્રિટનના શાળાના વિદ્યાર્થીઓ ઈથિયોપિયા અને અલ્જિરિયાના બાળકોની સરખામણીએ વધુ દુઃખી છે કારણ કે તેમના પર ધાકધમકી કરાય છે, તેમના વડીલો દ્વારા ઓછું ધ્યાન અપાય છે અને સતત સારા દેખાવાના દબાણ હેઠળ હોય છે. આ યાદીમાં સાઉથ કોરિયા છેલ્લા ક્રમે છે. બ્રિટિશ બાળકો પોતાના વિશે અને સ્કૂલ સંબંધિત પરિબળોમાં નીચો સ્કોર ધરાવે છે. તરુણોમાં શાળામાં નાખુશીનું પ્રમાણ ઊંચુ છે. આઠમા ધોરણના ૪૩ ટકા વિદ્યાર્થીએ શાળા ગમતી હોવાનું કહ્યું હતું, જ્યારે છઠ્ઠા ધોરણના ૬૧ ટકા વિદ્યાર્થીને શાળા ગમતી હતી. બાળકોને પરિવાર અને તેમની પસંદગીને અપાતા પ્રાધાન્ય સહિતની બાબતો વિશે સંતોષનું પ્રમાણ પૂછી સૌથી વધુ સંતોષ માટે ૧૦ પોઈન્ટ અને અસંતોષ અંગે શૂન્ય પોઈન્ટ આપવા જણાવાયું હતું.ઈંગ્લિશ છોકરીઓ પણ શારીરિક વિશ્વાસ, આત્મવિશ્વાસ અને દેખાવની બાબતે સાઉથ કોરિયાની છોકરીઓથી આગળ, પરંતુ કોલમ્બિયા, તુર્કી, સ્પેન અને પોલેન્ડ સહિતની દેશોની છોકરીઓથી પાછળ હતી.