લંડનઃ કાશ્મીરમાં પહલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ બ્રિટનના ભારતીય અને પાકિસ્તાની સમુદાયો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે ત્યારે સરકારે બંને સમુદાયને શાંતિ જાળવવા અપીલ કરી છે. ફોરેન મિનિસ્ટર હમિશ ફાલ્કનરે સંસદમાં જણાવ્યું હતું કે, અત્યારે પહલગામ મુદ્દા પર બ્રિટિશ સડકો પર વ્યાપક તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે અમે બંને સમુદાય, તેમના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. સાંસદોએ ભારતીય અને પાકિસ્તાની હાઇ કમિશનની બહાર થઇ રહેલા દેખાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ફાલ્કનરે જણાવ્યું હતું કે, બ્રિટિશ સરકાર માને છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીરી પ્રજાની ઇચ્છાઓ ધ્યાનમાં રાખીને કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવો જોઇએ.
ફાલ્કનરે જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલા માટે જવાબદાર તમામ લોકોને સજા આપવામાં ભારતને બ્રિટનનું સંપુર્ણ સમર્થન છે. સરકાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટાડવામાં મદદ કરવા સંપુર્ણ રાજદ્વારી ભુમિકા માટે પણ તૈયાર છે. પરંતુ કાવતરાખોરો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોગ્ય કાયદાઓનું પાલન થાય તે પણ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, એ વાત પણ મહત્વની છે કે અહીં યુકેમાં સામુદાયિક સ્તરે પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને આ તણાવ બ્રિટિશ સડકો પર ભાગ ન ભજવે તે આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન હુમલાની તપાસમાં ભારત સરકારના તમામ પ્રયાસોમાં સહકાર આપે.
ભારત-પાક. વચ્ચે તણાવથી ભારતીય-પાકિસ્તાની ડાયસ્પોરા ચિંતિત
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવથી યુકેમાં વસતા ભારતીય અને પાકિસ્તાની સમુદાયના લોકોમાં ચિંતા અને ભયની લાગણી પ્રવર્તી રહી છે. લંડનમાં વસતા ભારતીય અને પાકિસ્તાની ડાયસ્પોરાના લોકો ભાઇચારા અને શાંતિની ઝંખના કરી રહ્યાં છે. ઇસ્ટ હામમાં રહેતા દેવશી ખતાની અને તેમના પત્ની જયશ્રી કહે છે કે બંને દેશ વચ્ચે યુદ્ધના પડઘમથી અમે ચિંતિત છીએ. કાશ્મીરમાં આતંકવાદી હુમલો થવો જોઇતો નહોતો. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને હણી નાખ્યા છે. પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધના સમાચારો ચિંતાજનક છે. બ્રિટિશ પાકિસ્તાની લોયર આદિલ મલિક કહે છે કે બંને દેશ વચ્ચે તણાવ કોઇ નવો મુદ્દો નથી પરંતુ હું ભારતીય ઉપખંડમાં શાંતિ ઇચ્છી રહ્યો છું. યુકેમાં વસતા લોકો વતનના દેશમાં રહેતા તેમના પરિવારો માટે ચિંતિત છે. ઇસ્ટ હામમાં રહેતા જુનૈદ અલી કહે છે કે સમુદાયોમાં ભાઇચારો અત્યંત મહત્વનો છે. અહીં કોઇ તણાવ નથી. અહીં ભારત અને પાકિસ્તાનના લોકો ભાઇઓ અને બહેનો તરીકે રહે છે. બંને દેશે તમામ વિવાદનો ઉકેલ મંત્રણા દ્વારા લાવવો જોઇએ.
ભારત અને પાકિસ્તાનની મુલાકાત ટાળવા બ્રિટિશરોને સલાહ
સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે બ્રિટિશ નાગરિકોને બંને દેશનો પ્રવાસ ટાળવાની સલાહ જારી કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલી એડવાઇઝરી અનુસાર નાગરિકોને ભારત-પાક. સરહદ નજીકના વિસ્તારોની મુલાકાત ન લેવા જણાવવામાં આવ્યું છે. વિદેશ વિભાગે સ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી આ બંને દેશની મુલાકાત ટાળવા નાગરિકોને ભલામણ કરી છે.