લંડનઃ યુકે સ્થિત એનએચએસના ડોક્ટર અને યુ-ટ્યૂબર ડો. સંગ્રામ સિંહને 19 જાન્યુઆરીના રોજ મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ભારત છોડતા અટકાવવામાં આવ્યા હતા. ભાજપની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે નોંધાયેલા સાયબર ક્રાઇમ કેસ સાથે સંકળાયેલ એક્ટિવ લૂકઆઉટ સરક્યુલરનો હવાલો આપીને ઇમિગ્રેશન અધિકારીઓએ સંગ્રામસિંહ પાટિલને અટકાવ્યા હતા. મુંબઇ પોલીસ દ્વારા સંગ્રામ સિંહ સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. નોટિસના પગલે સંગ્રામ સિંહ ભારત છોડીને જઇ શકે તેમ નથી. જોકે તેમની ધરપકડ કે અટકાયત કરાઇ નથી. ફેસબુક પર ભાજપ અને તેના નેતાઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ માટે ભાજપ મીડિયા સેલના નિખિલ ભામરે દ્વારા 18 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે.
પાટિલે જણાવ્યું હતું કે, પોલીસે વિદેશી નાગરિક તરીકેના મારા અધિકારો પર તરાપ મારી છે. હું બ્રિટિશ નાગરિક છું. પોલીસના પગલાંને કારણે મારી આઝાદી અને વાણી સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી છે.


